સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે આતંકવાદી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એરપોર્ટ પર આવતી અને એરપોર્ટથી બહાર જતી તમામ ગાડીઓ પર પોલીસે વોચ ગોઠવી છે. દરેક ગાડીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર વિઝીટર પાસ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટ વિઝિટ કરવા માંગતા લોકોને પ્રવેશ નહીં આપવામાં આવે.
અમદાવાદ એરપોર્ટ પર રન-વે અને ટર્મિનલ એરિયા પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ, કર્મચારીઓ, પાયલોટ સહિત દરેક વ્યક્તિઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ તેમના સામાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદના મહેસાણા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પોલીસ જવાનો મોટી સંખ્યામાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. દરેક પ્રવાસીઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
કલમ 370 અને 35A કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવતા આતંકવાદી હુમલાની સંભાવનાઓ વચ્ચે દેશના 19 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર સરકાર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને સઘન ચેકિંગ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.