અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ પડયો છે, બે દિવસથી રાજ્યમાં વરસાદ યથાવત છે. ત્યારે ગુજરાત અને રાજસ્થાન પર વધુ એક સિસ્ટમ સક્રિય થઇ છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે.
આગામી બે દિવસ ગુજરાતમાં મેઘસવારી યથાવત રહેશે અને આગામી 24થી 48 કલાક ગુજરાતમાં તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે. જેને લઇ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્યમાં હાલની સ્થિતિને લઇને સમીક્ષા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સ્ટેટ ઈમરજન્સી ગ્રુપ દ્વારા રાજ્યમાં જે જગ્યાએ આગળ પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યાં આગળ એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને હાલ જિલ્લાની સ્થિતિ અંગે સતત રિપોર્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જિલ્લાની પરિસ્થિતિ ઉપર પણ નજર રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્યભરમાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વધુ એકવાર હવામાન વિભાગ તરફથી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.