અમદાવાદઃ વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે સ્તરે ફેલાયેલા કોવિડ-19 વાઇરસને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાઈ છે. તે અંતર્ગત ભારત સરકારે રાજ્ય સરકારોને એપેડેમીક ડિસિઝ એક્ટ-1987 હેઠળ મહામારીને રોકવા જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજીના ફેરિયા વેન્ડરોને આરોગ્ય કર્મીઓ દ્વારા સ્ક્રિનિંગ કર્યા બાદ સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા હેલ્થ કાર્ડ આપવાનું રહેશે. આ હેલ્થ કાર્ડ સાત દિવસ સુધી જ માન્ય રહેશે. ત્યારબાદ આરોગ્ય કર્મીઓ દ્વારા ફરીથી સ્ક્રિનિંગ કરી યોગ્ય જણાએ કાર્ડ રિન્યુ કરવાનું રહેશે.
હેલ્થ કાર્ડ ધરાવતા ફેરિયા વેન્ડરો, કરિયાણાના દુકાનદારો, શાકભાજી વેચનારાઓને વેચાણની ગ્રામ્યકક્ષાએ મંજૂરી આપવામાં આવશે. મર્યાદિત સંખ્યામાં મર્યાદિત સમય માટે જ આ કાર્ડ માન્ય રહેશે. દરેક તલાટી કમ મંત્રીએ ઇસ્યૂ કરેલા કાર્ડની વ્યક્તિના નામ સહિતની તમામ વિગતોવાળુ રજિસ્ટર નિભાવવાનું રહેશે અને તે અંગેનો અહેવાલ સંબંધિત તાલુકા વિકાસ અધિકારી મારફતે સમયાંતરે જિલ્લા પંચાયતને મોકલવા તેમણે તાકીદ કરી છે.
આ કાર્ડધારકોને ગામમાંથી શહેરમાં કે, શહેરથી ગામ તરફ પ્રવાસની મંજૂરી આપવામાં આવશે નહીં એટલે કે, આ કાર્ડ સ્થાનિક કક્ષાએ જ ઉપયોગમાં લઇ શકાશે. આ સૂચનાનો ભંગ થયે સંબંધિત કાર્ડધારકો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગામમાં ઉત્પાદિત થતાં સ્થાનિક માલસામાનનું જ વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવશે.