ગત 24મી જુલાઈના રોજ બંને પક્ષ તરફે દલીલ પૂર્ણ થતાં હાઈકોર્ટે 7 ઓગસ્ટના રોજ ચુકાદો જાહેર કર્યો હતો. હિંદુ દેવી-દેવતાઓના અશ્લીલ ફોટાને લઈને દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો ત્યારે આ વિવાદાસ્પદ ફોટા તિસ્તાએ તેના ફેસબુક અકાઉન્ટ પર મુક્યા હોવાથી હિંદુ સમુદાયની લાગણી દુભાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા ઘાટલોડિયાના રહીશ દ્વારા તિસ્તા સેતલવાડ વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
વર્ષ 2014માં તિસ્તા વિરૂધ ઘાટલોડિયા પોલીસ મંથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.તિસ્તા વિરૂધ દાખલ થયેલી ફરિયાદની તપાસ અમદાવાદ પોલીસ કમિશ્નરે શહેર ક્રાઈમ બ્રાંચને સોંપી હતી. શહેર ક્રાઈમ બ્રાંચે ઘાટલોડિયા પોલીસ પાસેથી દસ્તાવેજ મેળવી તપાસ હાથ ધરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભાવનગરમાં પણ તિસ્તા વિરૂધ ફરિયાદ દાખલ કરી હતી. ભાવનગર અને અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી પોલીસ ફરિયાદને રદ્દ જાહેર કરવા વર્ષ 2015માં તિસ્તા સેતલવાડ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં લગભગ ચાર વર્ષ બાદ કોર્ટ દ્વારા પોલીસ ફરિયાદને રદ્દ જાહેર કરી ચુકાદો આપવામાં આવ્યો હતો.