સુરતમાં ઘટેલી દુર્ઘટના બાદ અનેક બાળકોના મૃત્યુ થતા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા કેન્દ્રની સરકાર પર નિશાન સાધ્યું હતું. આ દુર્ઘટના બદલ સરકારને દોષી ગણાવી હતી. આ સાથે જણાવ્યું હતું કે, સુરતમાં બનેલી ઘટના માનવસર્જિત હોનારત હતી. જેમાં સરકારની પોલ ખુલી છે અને હું સરકારને પૂછવા માગું છું કે, સુરતમાં થયેલી ઘટના વખતે સરકાર ક્યાં હતી. સુરતની ઘટનામાં આગ લાગે ત્યારે બચવા માટે કોઈ રસ્તો ન હતો સરકાર પાસે આગળ જવા માટે યોગ્ય સાધનો ન હતા અને ફાયર બ્રિગેડ પાસે ટેકનોલોજીનો અભાવ હતો. આ સરકારની ઘોર નિષ્ફળતા છે. ગુજરાત મોડેલ એ ભ્રષ્ટાચારનું મોડેલ છે અને આ ઘટના તેની સાબિતી છે.
આ સાથે બાપુએ આવનારા દિવસોમાં NCPની બેઠક બોલાવવાની અને ગુજરાતની પ્રજા માટે અને સલામત ગુજરાત માટે NCP કામ કરશે તેવી જાહેરાત પણ કરી હતી. આ બેઠકમાં ફાયર વિભાગમાં યોગ્ય સાધનો છે કે નહીં તે તપાસવામાં આવશે અને લિફ્ટ પણ ચેકિંગ કરવામાં આવશે. જેમાં પાંચ સભ્યોની એક ટીમ બનાવવામાં આવશે અને દરેક શહેર અને ગામડામાં મોકલવામાં આવશે. તેમજ સરકાર અને રાજ્યપાલને પણ રજૂઆત કરવામાં આવશે કે, આ મામલે યોગ્ય પગલા લેવામાં આવે. વધુમાં જણાવીએ તો ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં જીત બદલ શંકરસિંહ વાઘેલાએ અભિનંદન પાઠવ્યા અને કહ્યું હતું કે, મેં ટ્વિટ દ્વારા તેમને અભિનંદન પાઠવ્યા છે અને ભાજપને તોડ-જોડની રાજનીતિ ન કરવા માટે પણ સલાહ આપી હતી.