અમદાવાદ: રાજકોટના વતની અને આરોપી મોહમ્મદ મકરાણીએ હાઇકોર્ટમાં દાખલ કરેલી રિટમાં ગુજસીટોક કાયદાની જોગવાઈ 2(1)(c), 16, 20(3), 20(4) અને 20(5)ને હાઈકોર્ટમાં પડકારી છે. બંધારણની કલમ 20 અને 21ને ટાંકીને આ જોગવાઈઓને પડકારવામાં આવી છે.
અરજદાર અને આરોપી મોહમ્મદ મકરાણી સામે 2016માં ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુજસીટોક કાયદાની જોગવાઈ મુજબ પાછલા દસ વર્ષમાં એક વ્યક્તિ સામે એકથી વધુ ચાર્જશીટ દાખલ કરવામાં આવે તો તેની સામે આ કાયદા હેઠળ નવો ગુનો દાખલ થઈ શકે છે. એટલું જ નહીં આ કાયદા હેઠળ આગોતરા જામીન પણ ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી, જે બંધારણની વિરુદ્ધ છે.
ગુજસીટોક કાયદાની જોગવાઈ નંબર 16ને પણ અરજદાર દ્વારા પડકારવામાં આવી છે. અરજદાર પ્રમાણે ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં કેટલાક પ્રકારના કબૂલનામા પર ભાર આપવામાં આવ્યો છે. જ્યારે ગુજસીટોક કાયદો તેનાથી વિપરીત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુજસીટોક કાયદાનું પોલીસ અને સત્તાધીશો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી કેટલીક જોગવાઈઓને રદ કરવામાં આવી જોઈએ. મહારાષ્ટ્રમાં લાગુ કરાયેલા મકોકાની પણ કેટલીક જોગવાઈ બોમ્બે હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી.