અમદાવાદ : ગુજરાતમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે ગરમીનો પારો નીચે આવી રહ્યો છે, ત્યારે હવે વહેલી સવારે ગુલાબી ઠંડી સાથે શિયાળાનું આગમન થતાં તાપમાન પણ નીચું નોંધાઇ રહ્યું છે, જે આવનારા સમયમાં ઠંડી વધવાનું સૂચક છે. ત્યારે હવે ગુજરાત હવામાન વિભાગે હવામાનને લઈને આગાહી કરી છે.
આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી. જોકે આવનારા બે ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર જોવા મળશે નહીં., અને આવનારા બે-ત્રણ દિવસ બાદ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે...ડૉ. મનોરમા મોહંતી (ડાયરેક્ટર હવામાન વિભાગ )
અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન : તો રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 - 37 ડીગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે. સાથે જ લઘુતમ તાપમાન 20 થી 22 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. જોકે હાલ સૌરાષ્ટ્રમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ જોવા મળી રહ્યું છે.
કોલ્ડ વેવ ડિસેમ્બરમાં : સામાન્ય રીતે દિવાળીની આસપાસના દિવસોમાં ગુજરાતમાં ઠંડીની અસર શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે સામાન્ય રીતે ગુજરાતમાં ઠંડીનો ચમકારો નવેમ્બર અંત અને ડિસેમ્બરથી જોવા મળે છે. ગુજરાતમાં ગરમીના દિવસોમાં તાપમાન વધુ જોવા મળે છે તેવી જ રીતે શિયાળામાં પણ કડકડતી ઠંડી જોવા મળે છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે શિયાળાની શરૂઆત બાદ કોલ્ડ વેવ પણ ડિસેમ્બરમાં જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં સમાન હવામાન : ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં ગુજરાતમાં સમાન વાતાવરણ રહેશે અને જેમ જેમ શિયાળો આગળ વધશે, તેમ તેમ ઠંડી વધશે અને ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડી લોકોને ધ્રુજાવશે. સામાન્ય રીતે શિયાળો ડિસેમ્બર માસમાં ચરમસીમાએ પહોંચે છે ત્યારે ગુજરાતમાં હાડ ગાળી દેતી ઠંડી જોવા મળે છે, અને લઘુત્તમ તાપમાન નીચું જતા કોલ્ડ વેવ જોવા મળે છે. તો આ વખતે પણ હવામાન વિભાગે આવનારા દિવસોમાં સામાન્ય તાપમાન રહેવાની સાથે ડિસેમ્બર માસમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. જોકે હાલ તો ગુલાબી ઠંડી સાથે લોકોએ શિયાળના આગમનની તૈયારીઓ કરી લીધી છે.