અમદાવાદ: ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડમાં હવામાન ખાતાએ આગામી 6 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થયું હતું. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે.
ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી: રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદ: બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી. દાંતીવાડા, ડીસા, દાંતામાં ત્રણ ત્રણ ઈંચ જ્યારે દિયોદર અમીરગઢ પાલનપુર સહિતના વિસ્તારમાં 1 થી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતા તાલુકામાં 94.99 ટકા જ્યારે સૌથી ઓછો વરસાદ કાંકરેજ તાલુકામાં 43.23 ટકા નોંધાયો છે. જિલ્લાના મોટાભાગના તાલુકામાં 50% થી વધુ વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે.
સૌરાષ્ટ્રમાં એક ઈંચ સુધી વરસાદ: સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ આજે હળવાથી સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેમાં જૂનાગઢના મેંદરડામાં દિવસ દરમિયાન ઝાપટા સાથે એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્ય જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. આજે જૂનાગઢ શહેર અને ભેંસાણમાં હળવા ઝાપટાં, માળિયા હાટીના અને વિસાવદરમાં અડધો ઈંચ, મેંદરડામાં દિવસ દરમિયાન 1 ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં અડધો ઈંચ, કોડીનારમાં ઝરમર, જામનગરના જોડિયા અને લાલપુર ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં હળવા ઝાપટા પડયા હતા.