અમદાવાદ : ગુજરાત રાજ્યમાંથી ચોમાસાએ હવે વિદાય લઈ લીધી છે. આ વર્ષે સાંબેલાધાર વરસાદ બાદ હવે રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણપણે વિદાય લીધી છે. ત્યારે વાતાવરણમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે. ચોમાસાની વિદાય અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.
ચોમાસાની વિદાય : ચોમાસાની રાજ્યમાંથી વિદાય થઈ ગઈ છે. તેવામાં આજે સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી ઠંડી અને ગરમીનું મિશ્રિત વાતાવરણ જોવા મળે છે.
બેવડી ઋતુનો અહેસાસ : હાલ રાજ્યભરમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી બાદ સાંજે ઠંડકનું વાતાવરણ જોવા મળે છે. ચોમાસુ પૂર્ણ થયા બાદ શિયાળાનું આગમન થાય છે. જોકે હાલ ખરી ઠંડીની શરૂઆત થઈ નથી. આવનારા દિવસોમાં વાતાવરણ શુષ્ક બનતા હાલ આગામી 5 દિવસ તાપમાનનો પારો યથાવત રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. જોકે હવામાન વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, અરેબિયન સીમાથી ફૂંકાતા ભેજવાળા પવનને લઈને વાતાવરણમાં ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. જોકે હવે ચોમાસુ પૂર્ણ થયું છે અને આગામી દિવસોમાં વરસાદની કોઈપણ સિસ્ટમ બનવાની શક્યતા પણ નહિવત જોવા મળી રહી છે. જેથી આ સમયમાં ગરમી અને ઠંડીની બેવડી ઋતુ જોવા મળી રહી છે.
હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી ઋતુને પોસ્ટ મોનસુન ટ્રાન્ઝિસ્ટ મહિનો કહેવાય છે. જેમાં ઠંડી અને ગરમીનો સમન્વય જોવા મળે છે. ત્યારે હાલ બદલાયેલા મોસમચક્ર બાદ અમદાવાદમાં મિનિમમ 22 ડિગ્રી જ્યારે મેક્સિમમ 35 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગરમાં મિનિમમ 21 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં વરસાદી વિદાય પૂર્વે આ વર્ષે મહત્તમ વરસાદ જોવા મળ્યો હતો. ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની મહેર થતાં જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક થઈ ગઈ છે. જોકે હવે ચોમાસાએ વિધિવત રીતે વિદાય લઈ લીધી છે. જેને લીધે હવે આવનારા સમયમાં વરસાદને લઈને કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.