અમદાવાદઃ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોમાં લાખો લોકો મુસાફરી કરતાં હોય છે. ત્યારે આ બસોમાં કોરોના વાઈરસનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. જેને લઈને GSRTC સ્વચ્છતાના પગલાં ભરી રહ્યું છે. એસટીની બસોમાં દરરોજ રાત્રે બસ ડેપોના કર્મચારીઓ દ્વારા સાફસફાઈ કરવામાં આવે છે. જેમાં જંતુનાશક દ્વારા પેસેન્જરને બેસવાની જગ્યા, સમાન મૂકવાની જગ્યા, બસના પરદા, ડ્રાઈવરને બેસવાની જગ્યા, વગેરે, જે સૌથી વધારે લોકસંપર્કમાં આવતાં હોય તેવા ભાગોને જંતુમુક્ત કરાય છે. જેથી કરીને જીવાણુઓ નાશ પામે અને કોરોના જેવો ભયંકર વાયરસ ફેલાતો અટકાવી શકાય.
આ અંગે ગુજરાત એસટી નિગમના અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ સતત સરકાર દ્વારા મળી રહેલી સૂચનાઓનું પાલન કરી રહ્યાં છે. તેમ જ મુસાફરોમાં કોરોના અટકાવના પગલાંઓ સંદર્ભે લોકજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરી રહ્યાં છે.