ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2023 માં કુલ 64.62 ટકા જેટલું પરિણામ આવ્યું છે જે ગત વર્ષ કરતાં ઓછું છે. પરિણામ જાહેર થતા જ શાળાઓની સ્થિતિની છબી પણ સામે આવી છે. ગુજરાતમાં કુલ 3,743 એવી શાળાઓ છે કે જેનું પરિણામ 50 ટકાથી ઓછું આવ્યું છે.
અમદાવાદ શહેરની 17 શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા પરિણામમાં સ્પષ્ટ જણાવ્યું છે કે અમદાવાદ શહેરની કુલ 17 જેટલી શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે જ્યારે 19 શાળાઓનું પરિણામ 11 થી 20 ટકા 33 શાળાનું પરિણામ 21 થી 30 ટકા અને 54 શાળાનું પરિણામ 31 થી 40% સુધી નોંધાયું છે. 100 ટકા પરિણામ ધરાવતી ફક્ત ત્રણ જ શાળા અમદાવાદ શહેરમાં છે. સૌથી વધુ 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં 29 જેટલી શાળાઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. દાહોદ જિલ્લાની એક પણ શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું નથી.
શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં વધારો: રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કર્યા પરિણામમાં 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ કુલ 197 છે જ્યારે આ આંકડામાં પણ ગત વર્ષ કરતાં વધારો થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ માહિતી મુજબ માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં કુલ 121 શાળાઓ એવી હતી કે જેનું પરિણામ 0 ટકા હતું પરંતુ માર્ચ 2023 માં કુલ 36 શાળાનો વધારો થઈને 197 શાળાઓનું પરિણામ 0 ટકા આવ્યું છે. આ ઉપરાંત 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ 22 જેટલો ઘટાડો આ વર્ષે નોંધાયો છે. વર્ષ 2022માં 294 જેટલી શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું ત્યારે 2023 ની પરીક્ષામાં 272 જેટલી છે શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.
10 ટકા ઓછું પરિણામ ધરાવતા જિલ્લા: 0 થી 10 ટકા વચ્ચે પરિણામ ધરાવતા જિલ્લાઓની વાત કરવામાં આવે તો સૌથી વધુ દાહોદમાં 59 શાળાઓ ત્યારબાદ જૂનાગઢમાં 21 શાળાઓ રાજકોટમાં 22 શાળાઓ અમદાવાદ શહેરમાં 17 શાળાનું પરિણામ 10% થી ઓછું આવ્યું છે. છોટા ઉદયપુર જિલ્લામાં એક પણ શાળાનું 0 ટકા પરિણામ આવ્યું નથી.