અમદાવાદ: આર.બી. શ્રીકુમારની ગત વર્ષે રાજ્ય પોલીસ દ્વારા ખોટા દસ્તાવેજો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર કેસ અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. શ્રી કુમારને 28 સપ્ટેમ્બરે ગુજરાત હાઇકોર્ટે પહેલીવાર વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જસ્ટિસ ઈલેશ જે. વોરાએ નીચેના મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અરબી શ્રી કુમારને જામીન આપવામાં આવ્યા છે.
1. આ સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવા પર આધારિત છે જે હવે તપાસ એજન્સીની કસ્ટડીમાં છે. 2. આર.બી.શ્રી. કુમારની ઉંમર લગભગ 75 વર્ષ છે અને તે સંબંધિત બીમારીઓથી પીડિત છે. 3. આર.બી શ્રી કુમારે તેમના વચગાળાના જામીન દરમિયાન કોઈપણ જાતની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો નથી. 4. આ કેસમાં મુખ્ય આરોપી તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટે 19 જુલાઈએ જામીન આપ્યા હતા. |
કોર્ટે આપ્યા શરતી જામીન: કોર્ટે જામીન આપવાની સાથે જ આર.બી.શ્રી કુમારને 17 ઓગસ્ટ 2023 ના રોજ ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર રહેવા અને રૂપિયા 25,000 ના અંગત બોન્ડ ભરવાનો નિર્દેશ આપ્યો છે.
શું છે મામલો: ગુજરાતમાં વર્ષ 2002ના રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રી કુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SIT ની તપાસ ચાલી રહી છે. ત્યારે સેશન્સ કોર્ટમાં આ કેસ ઉપર સુનાવણી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેસન્સ કોર્ટમાં આ કેસના ત્રણેય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયાની સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં અગાઉ આર.બી.શ્રી.કુમારે ડિસ્ચાર્જ મેળવવા માટે અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી છે.
તિસ્તા સેતલવાડને સુપ્રીમમાં રાહત: આ સાથે જ મહત્વનું છે કે તિસ્તા સેતલવાડ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેને પણ ફગાવી દેવામાં આવી છે. જો કે સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી છે. પૂર્વ IPS સંજીવ ભટ્ટે પણ ડિસ્ચાર્જ મેળવવા માટે અરજી દાખલ કરી છે. જેના પર હાલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.