અમદાવાદઃ ગુજરત રાજ્યમાં ચોમાસાની સીઝનનો 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.ચોમાસાની શરૂઆતમાં અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. થોડા દિવસ વિરામ બાદ ગયા અઠવાડિયાથી મેઘરાજાએ ફરીથી બેટિંગ શરૂ કરી છે. તેથી ચોમાસાનો કુલ વરસાદ 100 ટકા નોંધાઈ ચૂક્યો છે. હજુ પણ વરસાદ વરસી રહ્યો છે જે ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર છે.
હવામાન વિભાગની આગાહીઃ છેલ્લા અઠવાડીયાથી ફરી એક વાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થતાં ફરીથી મેઘમહેર થઈ છે. ચોમાસાના અંતિમ ચરણમાં વધુ એક વખત હવામાન વિભાગે વરસાદને લઈને માહિતી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવે છે કે રાજ્યમાં ભારે વરસાદીની નહિવત શક્યતા છે. થોડા સમયથી ભારે અને અતિભારે વરસાદ વરસ્યા બાદ આવનારા 24 કલાક બાદ વરસાદનું જોર હવે ધીરે ધીરે ઘટશે.
રાજ્યમાં અત્યાર સુધી 100 ટકા ઉપર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સિઝન કરતા ઓછો વરસાદ નોંધાયો છે. હજુ પણ ચોમાસુ સક્રીય હોવાથી 1 ટકા જેટલો વરસાદ પડતાં આ ઘટ પણ પૂર્ણ થઈ જશે...ડૉ. મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
વાતાવરણમાં બફારો અનુભવાશેઃ હવામાન વિભાગ અનુસાર મધ્યપ્રદેશથી રાજસ્થાન અને ત્યાંથી ગુજરાત તરફ ફંટાયેલી વરસાદી સિસ્ટમનું જોર હવે ધીમું પડ્યું છે ત્યારે હાલ ભારે વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે વરસાદ ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે ત્યારે વાતાવરણમાં બફારો અનુભવાશે.