અમદાવાદ : ગુજરાતમાં વરસાદની સતત હેલી વર્તાઈ રહી છે. ત્યારે હવે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે. રાજ્યમાં આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ચોમાસામાં ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતાં અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 44 ટકા વરસાદ જોવા મળ્યો છે.
વરસાદની આગાહી : હવામાન વિભાગે કરેલી આગાહી બાદ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત ખેડા, પંચમહાલ, નવસારી, સુરત, ડાંગ, વલસાડ અને તાપીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં બે સપ્તાહથી ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેને કારણે નેશનલ, સ્ટેટ અને પંચાયતને સાંકળતા 51 રસ્તાઓ હાલ બંધ કરવામાં આવ્યા છે. કુલ 6 સ્ટેટ હાઇવે બંધ થયા, જેમાં રાજકોટમાં બે હાઇવે બંધની સ્થિતિમાં છે. ભારે વરસાદના કારણે જૂનાગઢમાં 10 રસ્તા બંધ છે, ત્યારે કચ્છમાં એક નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે.
આવનારી 16, 17, 18 અને 19 જુલાઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. જેથી ગુજરાતમાં વરસાદ વિરામ નહીં લે અને 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. હાલ ચોમાસાના આંકડાઓ પર નજર કરીએ તો સમગ્ર ગુજરાતમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે. - ડો મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
સામાન્ય વરસાદ કયા : રાજ્યના દરેક જિલ્લાઓમાં હાલ વરસાદને કારણે અસર જોવા મળી રહી છે, ત્યારે હવે ફરીથી આગામી 4થી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.