અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજાની હાલ મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી 24 કલાકમાં ફરી દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પવન ફુકવાવાની પણ સંભવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.
પવન ફૂંકાંઈ તેવી સંભાવના: હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતાને લઈને આગામી 5 દિવસ માછીમારોને પણ સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાંઈ તેવા અણસાર પણ વ્યક્ત કરાયા છે.
શહેરોમાં વરસાદની આગાહી: અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં વરાપ નીકળે તેઓ અણસાર વ્યક્ત કરાઈ હતી. માત્ર છુટ્ટા છવાયા વરસાદ અંગે જ જણાવાયુ હતું. જોકે ત્યારબાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ: હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાય જિલ્લાઓને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ, પડોશી થાણે અને રાયગઢ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને થાણે જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટની જાહેર કર્યુ છે.