અમદાવાદ: સાળંગપુર ખાતે હનુમાનજીની પ્રતિમાને નીચે લગાવેલા ભીંતચિત્રોને લઈને ભારે વિવાદ જોવા મળી રહ્યો હતો. જેને લઈને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ પદથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમના સ્થાને જગન્નાથ મંદિરના મહાન મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજની પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
સનાતન ધર્મના હિત માટે નિર્ણય: જગનાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે આ જગન્નાથ મંદિરમાં સાધુ સંતો સાથે બેઠક કરીને નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં સમાધાન મુદ્દે જે પણ વાત હશે તેનો સનાતન ધર્મ માટે જે પણ હિતમાં નિર્ણય થતો હશે તે લેવામાં આવશે અને સનાતન ધર્મના હિતમાં જ નિર્ણય લઈશું.
ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવું સંતોનું કર્તવ્ય: અચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે બેઠકમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ તરીકે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જે પણ બીજા પદ બાકી ખાલી હતા જેમાં પણ અલગ અલગ લોકોની નિયુક્તિ કરવામાં આવી છે. ધર્મની માન્યતાઓ, મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવું એ તમામ સંતોનું કર્તવ્ય છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીને લઈને ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે પણ વિવાદિત ચિત્રો કે અન્ય લખાણ હશે તેને પણ દૂર કરવામાં આવશે.
સમાધાન એકમાત્ર ઉપાય: સાળંગપુર ભીત ચિત્રો સહિતના સનાતન ધર્મમાં જે છેલ્લા એક સપ્તાહથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેઠક પણ કરવામાં આવી હતી. ગુજરાતના સાધુ સંતોએ પણ મુહિમ ચલાવી હતી કે સનાતન ધર્મ માટે સમાધાન ખૂબ જ જરૂરી છે અને તેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જો સમાધાન કરવામાં નહીં આવે તો સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ તેના સંતોને જ નુકસાન થશે. જેના કારણે તેમને સમાધાન કરવા સિવાય બીજો કોઈ અન્ય વિકલ્પ નથી.