અમદાવાદ : ગુજરાત રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. વરસાદી વાતાવરણના કારણે ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. ઉપરાંત આજે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
વાદળછાયું વાતાવરણ રહેશે : શિયાળાની શરૂઆત બાદ હાલ અમદાવાદમાં તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે. ગુજરાતના નલિયામાં 10.4 ડિગ્રી અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જોકે છેલ્લા 15 દિવસ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ તારાજી સર્જી છે. શિયાળાની શરૂઆતથી જ અનેક જિલ્લાઓને માવઠાએ ધમરોળ્યા છે. ઉપરાંત પાછલા એક અઠવાડિયાથી ઘેરાયેલા વાદળોને લીધે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઝડપી પવનના પગલે માછીમારોને સૂચન : હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા નહિવત્ છે. જોકે હાલમાં દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ગુજરાત તરફ એક સિસ્ટમ આવી રહી છે. જેનાં કારણે આગામી 2 દિવસ સુધી પવનની ગતિ વધુ રહેવાની સંભાવના છે. જ્યારે 10થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને લીધે માછીમારોને દરિયામાં સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
ખેડૂતોને સહાય મળશે ? ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ એકાએક વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે રાજ્યમાં ખાબકેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા શિયાળુ પાકને નુકશાન થયું હતું. ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનની ભરપાઈ પેટે રાહત આપવા રાજ્ય સરકારે સર્વેનો આદેશ કર્યો હતો. એક મહિનામાં નુકસાનીનો સર્વે કરી રિપોર્ટ સોંપવા કૃષિપ્રધાન દ્વારા જિલ્લા કક્ષાએ અધિકારીઓને આદેશ કરાયો હતો. જેથી ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનમાં રાહત મળી શકે. પરંતુ હવે બીજી તરફ હવે ફરી વરસાદ થાય તો શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે.