Gujarat Monsoon 2023 : હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી, આ વિસ્તારમાં થઈ શકે છે વરસાદ - હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ફરી એક વાર વરસાદની શરૂઆત થઈ છે. સ્થાનિક હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. જ્યારે આ વખતે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદ : અષાઢ મહિનામાં ગુજરાતમાં ધબધબાટી મચાવ્યા બાદ શ્રાવણ માસમાં ફરી એક વાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે. હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે આ વખતે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ચોમાસાની મોજુદા સ્થિતિ : ઓગસ્ટ મહિનામાં નર્મદા, ખેડા અને વડોદરા જિલ્લામાં સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે 159 mm વરસાદ થવો જોઈએ તેના બદલે માત્ર 17 mm જ વરસાદ રહ્યો હતો. 21 ઓગસ્ટમાં સુધીમાં સરેરાશ વરસાદની સરખામણીએ 89% ઓછો વરસાદ રહ્યો હતો. ઓગસ્ટમાં એક પણ મજબૂત સિસ્ટમ ન બનતા વરસાદ ઓછો પડ્યો હતો. જેને કારણે સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. પરંતુ આજે સમગ્ર ગુજરાતની વાત કરીયે તો સરેરાશ કરતા 26 ટકા વધુ વરસાદ ગુજરાતમાં નોંધાયો છે.
રાજ્યમાં આવનારા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. 24 કલાક દરમ્યાન સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.-- મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સર્જાતા હવે વરસાદ ફરી એકવાર ગુજરાત પર મહેરબાન થશે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અને દિવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને ભરૂચમાં વરસાદ થઈ શકે છે.
છુટોછવાયો વરસાદ : તો બીજી તરફ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડ્યો નથી. અમુક જગ્યાએ માત્ર છુટોછવાયો વરસાદ પડ્યો છે. ત્યારે હવે વધુ એક વરસાદી સિસ્ટમને કારણે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.