અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને હજી પણ ખેડૂતો માટે સંકટના વાદળો ઘેરાયેલા રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, આગામી બેથી ત્રણ દિવસ ઓછો વરસાદ રહેવાની સંભાવના છે, જ્યારે 4થી 5 એપ્રિલ વરસાદ વધુ રહેશે અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ક્યાં વરસાદ વરસવાની શક્યતાઓ : રાજ્યમાં વરસાદને લઈને વિગતવાર વાત કરવામાં આવે તો, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસી શકે છે. જ્યારે ડાંગ, વલસાડ અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ મે મહિનાની શરૂઆત થતાની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કમોસમી વરસાદ થશે અને આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને લઇને ગરમીનો પારો હાલ ઊંચો જવાની શક્યતા નહિવત છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast: સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ,ખેડૂતોના ચિંતામાં વધારો
પાકને નુકસાન : જોકે સતત થઈ રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોનો ઉભો પાક બગડી રહ્યો છે અને ખેડૂતો હાલ મહા મુસીબતનો સામનો કરી રહ્યા છે, પરંતુ કુદરત સામે લાચાર ખેડૂત હાલ કમોસમી વરસાદની આગાહીને પગલે સંકટનો સામનો કરવા મજબૂર બન્યો છે. હાલ રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. ભર ઉનાળે વરસેલા વરસાદે ખેતીના પાકમાં મોટું નુકસાન કર્યું છે, કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેતરોમાં ઉભેલા પાકમાં નુકસાન થયું છે.
આ પણ વાંચો : Heavy rain in Patan: પાટણ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ યથાવત
પાંચ દિવસ સુધી વરસાદ : તો બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરતા જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાનો માર યથાવત રહેવાની સંભાવના છે. જોકે ગુજરાતમાં પાંચ દિવસ સુધી અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ રહેશે. પાંચ દિવસ બાદ ગરમીનો પારો ઊંચકાવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.