અમદાવાદ: સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
"હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે. ગુજરાતમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદનો લાંબો વિરામ જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદ ખેંચાતા આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટશે અને તેની સીધી અસરથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે."-- અભિમન્યુ ચૌહાણ,( વૈજ્ઞાનિક, હવામાન વિભાગ)
સામાન્યથી હળવો વરસાદ: હવામાન વિભાગે આગામી એક સપ્તાહ માટે વરસાદ અંગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જેમાં નર્મદા, નવસારી, સુરત, ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ રહી શકે છે. પરંતુ 3 દિવસ બાદ અઅઅઅ જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે ગુજરાતીઓએ હવે સારા વરસાદની હજુ પણ રાહ જોવી પડશે.
હળવાથી મધ્યમ વરસાદ: ગુજરાતના અમુક જિલ્લામાં આગામી અઠવાડિયે માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકું રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. જ્યારે બે દિવસ બાદ આ વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ બિલકુલ ઓછી જોવા મળશે. જોકે હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી નોંધાયેલા વરસાદ પર નજર કરવામાં આવે તો હાલ રાજ્યમાં ચોમાસાની સીઝન દરમિયાન 94.5 ટકા વરસાદ નોંધાયો છે.