અમદાવાદ: રાહુલ ગાંધી મોદી સરનેમને લઈને થયેલા માનહાનીના કેસમાં કોઈ રાહત મળી નથી. મંગળવારે થયેલી સુનાવણી બાદ હાઇકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હવે આ મામલે ચૂકાદો ઉનાળાના વેકેશન બાદ આવશે. ન્યાયાધીશ પ્રચ્છકે મંગળવારે જણાવ્યું હતું કે, 'બંને પક્ષો એક અથવા બે દિવસમાં તેમની દલીલો પૂરી કરે તેવી શક્યતા છે. ન્યાયાધીશ હેમંત પ્રચ્છક 4થી મેના રોજ વિદેશ જઈ રહ્યા છે.'
ન્યાયાધીશ પ્રચ્છક 5 મેથી વિદેશ જઈ રહ્યા છે: આ કેસની પાછલી સુનાવણીમાં ન્યાયાધીશ હેમંત પ્રચ્છકે 2જી મેએ આ કેસ ખતમ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ 5મી મેથી વિદેશ જઈ રહ્યા હોવાથી તેઓ પણ વહેલી તકે આ કેસ ખતમ કરવા માગે છે. આ સાથે ન્યાયાધીશ પ્રચ્છકે આ કેસની સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખી હતી.
'આજે અમારા તરફથી કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. જેમાં અમે ગઈકાલે જ તમામ દસ્તાવેજો હાઇકોર્ટમાં રેકોર્ડ ઉપર મૂક્યા હતા. આ દસ્તાવેજોમાં નીચેની કોર્ટે આપેલો હુકમ કાયદેસર છે તેમાં કોઈ જ ભૂલ નથી એ હુકમમાં કોઈ દખલગીરી કરવાની જરૂર નથી. આ સાથે જ કાયદાકીય પરિસ્થિતિ શું છે તેની દલીલો કરવામાં આવી હતી. સીટીંગ એમએલએ એમપીને કોઈ ખાસ પ્રકારની ફેસિલિટી નથી મળતી પરંતુ કાયદાની પ્રક્રિયાનો ભાગ હોવાથી આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર પ્રક્રિયા ગણી શકાય નહીં. આ પ્રકારની અમારા તરફથી રજૂઆત કરવામાં આવી હતી.' -હર્ષિત ટોળીયા, પૂર્ણેશ મોદીના વકીલ
પૂર્ણેશ મોદીના વકીલની દલીલ: ફરિયાદી પૂર્ણેશ મોદીના વકીલ નિરુપમ નાણાવટીએ કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, 'કોર્ટે તેમને ગેરલાયક ઠેરવ્યા નથી, સંસદે તમને ગેરલાયક ઠેરવ્યા છે. ફરિયાદીએ પણ તેમને ગેરલાયક ઠેરવ્યા નથી તેથી તમે એવી દલીલ ન કરી શકો કે તમને સંસદ પદનું નુકશાન થઈ શકે છે અથવા થઈ રહ્યું છે. આ કાયદો સંસદે જ બનાવ્યો છે.
રાહુલ ગાંધીનું વલણ વિરોધાભાસી: નિરુપમ નાણાવટી દલીલ આપતા વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના વલણમાં વિરોધાભાસ છે. જાહેરમાં તેઓ અલગ બોલે છે પરંતુ કોર્ટરૂમમાં તેમને પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે. રાહુલ ગાંધી પબ્લિકમા માફી નહીં માંગવાનું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે. રાહુલ ગાંધી સામે કેમ્બ્રિજમાં વીર સાવરકર વિરુદ્ધ બોલવા બદલ તેમની સામે ઓછામાં ઓછા બેથી ત્રણ વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસ સુરત કેસ બાદ દાખલ કરવામાં આવ્યા છે. સાવરકર વગેરે વિશેની તેમની ટિપ્પણીઓ તેમનું આચરણ દર્શાવે છે.'
અભિષેક મનુ સિંઘવીની દલીલ: સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી રાહુલ ગાંધી વતી જવાબમાં દલીલ કરતા જણાવ્યું હતું કે કલમ 389 કોઈ ચોક્કસ ગુનો નથી. સિંઘવીએ સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના નિર્ણયોને ટાંક્યા છે કે કેવી રીતે કલમ 389 હેઠળની સત્તાએ અસાધારણ સંજોગોમાં વાપરવી જોઈએ અને હાલની અરજી પણ એ જ હેઠળ આવે છે. માનહાનીના કોઈ પણ ચુકાદામાં માનહાનિ એ ગંભીર અને જઘન્ય અપરાધ હોવાનું જણાવાયું નથી તો પછી ફરિયાદ પક્ષ કયા આધારે કહે છે કે બદનક્ષી ગંભીર ગુનો છે? સિવાય કે તમે કોઈ વ્યક્તિને નાપસંદ કરો છો. શા માટે તેઓ અપીલકર્તાને ગેરલાયક ઠરવાનો આગ્રહ કરી રહ્યા છે?
આ પણ વાંચો Gujarat Foundation Day 2023: ભારતની પ્રગતિમાં ગુજરાતનું વિશેષ યોગદાન - રાહુલ ગાંધી