અમદાવાદ : રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના અને દુકાનોની સામે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે સુનાવણી ચાલે છે, ત્યારે કતલખાના અને નોનવેજની દુકાનને લઈને ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક જાહેરહિતની અરજી દાખલ થઈ છે.
માન્ય લાયસન્સ હોવા છતાં દુકાન બંધ : સુરતમાં નોનવેજની માલિકી ધરાવતા દુકાન માલિકોએ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમની પાસે દુકાનના માન્ય લાયસન્સ હોવા છતાં પણ તેમની દુકાનોને બંધ કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના તેમની દુકાનો પાસે માન્ય લાયસન્સ હોવા છતાં પણ તેને બંધ કરી દેવામાં આવી છે.
297 દુકાનોને લાયસન્સ વિનાની : ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ખંડપીઠ દ્વારા તેમની આ અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમને 2021માં દાખલ કરાયેલી ગેરકાયદેસર કતલખાનાની જાહેરહિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના અને લાયસન્સ વિનાની દુકાનો પર સુનાવણી ચાલી રહી છે, ત્યારે ગત સુનાવણીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટ સમક્ષ જાન્યુઆરીનો જે ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે 297 દુકાનોને લાયસન્સ વિનાની હોવાની માહિતી રજૂ કરી હતી. જેમાંથી સુરત મનપા દ્વારા 63 દુકાનો અને કતલખાનાઓને સીલ કરવામાં આવ્યા હતા.
578 જેટલી દુકાનો સીલ : જ્યારે ફેબ્રુઆરીમાં જે ડેટા હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. તે મુજબ 578 જેટલી માસની દુકાનો અને કતલખાનાઓને સીલ કરવામાં આવ્યા હોવાની માહિતી મૂકી હતી. જેને લઇને કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાતોરાત 578 જેટલી દુકાનો કઈ રીતે સીલ કરી દેવામાં આવી? આ સાથે જ હાઇકોર્ટે આ મુદ્દે ફરીથી તપાસના નિર્દેશ પણ આપ્યા હતા. આ સાથે જ 578 જે દુકાનોને સીલ કરવામાં આવી હતી. તે દુકાનોની હાલત અંગેનો કવર પણ દાખલ કરવા કોર્ટે આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : Gujarat High Court Hearing : ગેરકાયદે કતલખાના પર હાઇકોર્ટનો આદેશ, લાયસન્સ વગરની મીટ શોપ બંધ કરો
વધુ સુનાવણી ક્યારે : હવે આ સમગ્ર મામલે સુરતના નોનવેજની માલિકી ધરાવતા લોકોએ ગુજરાત હાઇકોર્ટમાં જે અરજી દાખલ કરી છે તે અરજીને હાઇકોર્ટે ગેરકાયદેસર કતલખાનાની અરજીમાં સમાવેશ કર્યો છે, ત્યારે આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.