અમદાવાદ : આજકાલ વધી રહેલા ગુનાઓના પ્રમાણને કારણે વ્યક્તિઓ દ્વારા લાયસન્સ વાળા હથિયાર રાખવામાં આવતા હોય છે. અન્યથા એવા અનેક પ્રકારના ધંધા અને રોજગારના કારણે પણ લોકો પોતાના સ્વરક્ષણ અને સ્વ બચાવ માટે લાયસન્સ વાળા હથિયાર ધરાવતા હોય છે. જોકે આ લાયસન્સ વાળા હથિયાર મેળવવા માટે થઈને ઘણા જટિલ નિયમોમાંથી પસાર થવું પડતું હોય છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ છેલ્લા ઘણા સમયથી પરવાના વાળા હથિયારનો જે કેસ ચાલી રહ્યો હતો. તેમાં હાઇકોર્ટે અરજદારની અરજીને માન્ય રાખી છે અને કલેક્ટર દ્વારા જે હુકમ કરવામાં આવ્યો હતો તેને નકાર્યો છે.
શું હતો સમગ્ર કેસ : અરજદાર દ્વારા હથિયાર લાયસન્સ માટે થઈને અરજી કરી હતી, પરંતુ તે અરજીને કલેકટર દ્વારા હથિયાર ન આપવામાં આવતા આ સમગ્ર મામલે હાઇકોર્ટ સમક્ષ પહોચ્યો હતો. મૂળ ભાવનગરના રહેતા વ્યક્તિએ કન્ટ્રક્શનના કામ સાથે જોડાયેલા છે. જેમાં તેમને રોડ, રસ્તા, બિલ્ડીંગનું કામ થતું રહેતા હોવાથી ઘણી બધી રોકડ રકમ હાથવગી રાખવી પડતી હતી. જેના કારણે હથિયાર રાખવાની ફરજ પડતી હતી. લાયસન્સ વાળું હથિયાર મેળવવા માટે થઈને અરજદાર દ્વારા ભાવનગરના કલેકટર સમક્ષ અરજી કરવામાં આવી હતી.
સુરક્ષાના હેતુ માટે હથિયારની પરવાનગી : હથિયાર રાખવા માટે અરજદારે કલેકટર સમક્ષ અરજી કરી હતી, પરંતુ જિલ્લા એસ.પીએ નકારાત્મક રિપોર્ટ આપ્યો હોવાના કારણે કલેક્ટરે આ અરજીને નકારી દીધી હતી. આ સમગ્ર મુદ્દે અરજદાર દ્વારા રજૂઆત કરી હતી કે, તેમનો વ્યવસાય મોટાભાગે રોકડ વ્યવહાર સાથે સંકળાયેલો છે. મોટી મોટી રકમમાં લેવડ દેવડ થતી હોવાથી તેમને તેમની પાસે લાખો રૂપિયા હોય છે. આવા સંજોગોમાં ધંધા માટે થઈને મોટેભાગે રાત્રે લાંબી મુસાફરી પણ જોખમ સાથે કરવી પડતી હોય છે. તેથી સુરક્ષાના હેતુ માટે હથિયાર રાખવાની પરવાનગી આપવામાં આવે.
આ પણ વાંચો : Gir Somnath Crime : જગતનો તાત ખેડૂત હથિયારોની ખેતી કરતો ઝડપાયો, કેવા કેવા હથિયાર મળ્યાં જૂઓ
હાઈકોર્ટનું અવલોકન : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, જે તે સત્તાધીશોએ જીવના જોખમનું કે પછી બીજા કોઈ પણ પાસા જોયા વગર કે યોગ્ય તપાસ કર્યા વિના માત્ર ટેકનિકલ કારણો બતાવીને અરજી ફગાવી દીધી છે. જે બિલકુલ યોગ્ય નથી. મહત્વનું છે કે, હાઇકોર્ટે સરકારને ગત સુનાવણીમાં એ પણ ટકોર કરી હતી કે, લાયસન્સ વાળા હથિયારોના નિયમમાં ફેરફાર કરવા જરૂરી છે. ટેકનિકલ કારણો આપીને કોઈની પણ અરજી નામંજૂર કરી શકાય નહીં. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે, પરંતુ માત્ર એક કારણોને ધ્યાનમાં રાખીને લોકોના જીવનું જોખમ મૂકી શકાય નહીં.
આ પણ વાંચો : Vadodara Crime : શહેરમાં પિસ્તોલ કારતુસ વેચવા આવેલા શખ્સની કરી ધરપકડ
યોગ્ય નિર્ણય લેવા કર્યો આદેશ : હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે, લોકોને જીવના જોખમની જ્યારે વાત આવતી હોય, ત્યારે સત્તાધીશોએ કાયદા અનુસાર નિર્ણય લેવો જોઈએ. હાઇકોર્ટના અવલોકનની સાથે જ કલેકટરના હુકમને અમાન્ય ફેરવ્યો હતો અને યોગ્ય નિર્ણય લેવા માટે આદેશ કર્યો છે.