અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત રાજ્યમાં ચાલતા ગેરકાયદે રીતે જે પણ કતલખાના છે તે અંગે આજે સુનાવણી થઈ હતી. જેમાં ગેરકાયદે કતલખાના પર હાઇકોર્ટનો આદેશ પણ સામે આવ્યો છે. સુનાવણી દરમિયાન કતલખાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. તેમજ ગેરકાયદે ચાલતા કતલખાના પર હાઇકોર્ટે મોટો આદેશ આપ્યો છે કે લાયસન્સ વિનાની તમામ દુકાનો બંધ કરવામાં આવે અને સીલીંગ કાર્યવાહી કરવાની હોય તો તે માટેની ટીમ પણ બનાવવામાં આવે.
લાયસન્સ વિના ચાલતી મીટ શોપ બંધ કરો : અમદાવાદમાં ચાલતા ગેરકાયદે કતલખાનાઓ બંધ કરવા માટે અમદાવાદ કોર્પોરેશનની કાર્યવાહી સામે હાઇકોર્ટે ટકોર કરી હતી. હાઇકોર્ટ એએમસીને કહ્યું કે, ફરિયાદો આવી છે એમાંથી હજુ પણ કેટલીક દુકાનો ચાલુ છે. લાયસન્સ વિનાની તમામ દુકાનો બંધ થવી જોઈએ. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કેમ ચલાવી લેવા?આ સાથે જ અધિકારીઓના કાગળ પર જવાબ નહીં પરંતુ કામ કરીને બતાવવા ટકોર કરી હતી.. મહત્વનું છે કે આ સુનાવણી સમયે ફૂડ સેફટી કમિશનર પણ હાજર રહ્યા હતાં.
25 દુકાનો સીલ કરવામાં આવી હોવાનો જવાબ : જોકે અમદાવાદમાં લાયસન્સ વિના જે પણ કતલખાના ચાલી રહ્યા છે. તેમાં આજે રાજ્ય સરકારે પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 25 દુકાનો સીલ કરવામાં આવી હોવાનો જવાબ રજૂ કર્યો. આ સાથે જ કહ્યું કે આજે સાંજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ કાર્યવાહી કરશે.
સુરત મનપાનો ઉધડો : સરકારના આ જવાબ સામે જ હાઇકોર્ટે કહ્યું હતું કે, સુરત મનપાની ટીમ તો પાણીમાં બેસી ગઈ છે. સુરત મનપા કોઈ કાર્યવાહી જ નથી કરી રહી. આ સાથે જ હાઇકોર્ટ રાજ્યભરમાં ગેરકાયદેે ધમધમતા કતલખાના મુદ્દે હાઇકોર્ટે મનપાની કામગીરી ઉપર પણ ઉધડો લીધો હતો.
આ પણ વાંચો પક્ષીઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવા મુદ્દે HCમાં PIL
સરકાર ગેરકાયદે કતલખાના સામે કાર્યવાહી કરતી નથી : અરજદાર દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમાં જે વિગતો દર્શાવવામાં આવી છે તે પ્રમાણે, રાજ્યમાં 354 જેટલા કતલખાના અને પોલ્ટ્રી હાઉસના, ફૂડ સેફ્ટી હાઉસના ફૂડ સેફ્ટી અંતર્ગત લાયસન્સ રજિસ્ટ્રેશન થયા હોવાની કોર્ટમાં વિગતો મૂકવામાં આવી છે. અરજદાર દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમાં અરજદારે એ પણ દાવો કર્યો છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકાર ગેરકાયદે કતલખાના સામે કાર્યવાહી કરતી નથી. આ અરજીમાં અમદાવાદ, ગાંધીનગર બનાસકાંઠા, સહિતના જિલ્લામાં ગેરકાયદે કતલખાના હોવાની જણાવવામાં આવ્યું છે.
કતલખાના સમિતિ પર સવાલ : ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાં કતલખાના સમિતિ બનાવવા નિર્દેશો આપ્યા હતાં. જે ગેરકાયદે કતલખાના પર નજર રાખી તેને બંધ કરાવવાનું આ સમિતિનું મુખ્ય કાર્ય હોવાનું નિર્દેશ કરાયો હતો. જોકે અરજીમાં અરજદાર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં કતલખાના સમિતિ દ્વારા પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને માર્ગદર્શિકાનું પાલન કરવામાં ન આવતું હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો Gujarat High Court : ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને હાઇકોર્ટે વચગાળાના જામીન કર્યા મંજૂર
કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ રહી છે : ગત સુનાવણીમાં પણ હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે સરકારી વકીલને પૂછ્યું હતું કે,વહીવટી તંત્ર ગેરકાયદે કતલખાનાઓ અને ગેરકાયદે માંસની દુકાનો સામે કાર્યવાહી કરવાનું કેમ ટાળી રહી છે? કારણ કે રેડમીટમાં વપરાતા કેમિકલથી લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ રહી છે શું સરકાર લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર નથી?
63 દુકાનો કતલખાના જ સીલ કરાયા : મહત્વનું છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા અત્યાર સુધીમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા પણ તમામ ગેરકાયદે દુકાનો સીલ કરવા આદેશ કરાયો છે. જેમાંથી 297 માંથી 63 દુકાનો કતલખાના જ સીલ કરાયા હોવાનું કોર્ટે નોંધ્યું છે. 700થી વધુ દુકાનોમાંથી 297 દુકાનો પાસે લાયસન્સ ન હોવાનો સરકારે જવાબ આપ્યો હતો. ત્યારે હાઇકોર્ટે કહ્યું હતું કે આ કાર્યવાહીથી અમે સંતોષ નથી સરકાર વિસ્તૃત જવાબ ફાઇલ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
આગામી સુનાવણી ટૂંક સમયમાં : જોકે ગુજરાત સરકાર દ્વારા આજે જે પણ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો તેને લઈને હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી. તેમજ યોગ્ય રીતે કામગીરી કરવા આદેશ આપ્યો છે. જોકે આ સમગ્ર મામલે હવે આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.