અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટને પ્રથમ વખત મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. સુપ્રીમ કોર્ટના કોલેજીયમેં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયા ગોકાણીની પસંદગી કરી છે. મહત્વનું છે કે હાલ અરવિંદકુમાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી રહ્યા છે.પરંતુ કોલેજીયમ દ્વારા અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે પસંદગી કરવામાં આવતા હવે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય જજ તરીકે સોનિયા ગોકાણી સેવા આપશે.
કોણ છે સોનિયા ગોકાણી : ઉલ્લેખનીય છે કે, સોનિયા ગોકાણી ગુજરાત હાઇકોર્ટમાં અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપીને ચર્ચામાં રહ્યા છે. જોકે સોનિયા ગોકાણી ફક્ત 15 દિવસ સુધી જ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે. કારણ કે તેઓ 24 ફેબ્રુઆરીના વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ સોનિયા ગોકાણીના વાત કરવામાં આવે તો તેમનો જન્મ 26 ફેબ્રુઆરી 1961 ના રોજ જામનગરમાં થયો હતો. તેમણે માઇક્રોબાયોલોજીમાં BScનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ LLB અને LLLM પૂર્ણ કર્યું હતું.
સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના જજ : સોનિયા ગોકાણીએ જામનગરની કે. પિ.શાહ લો કોલેજમાં પાર્ટ ટાઈમ તરીકે લેક્ચર તરીકેની પણ સેવા આપી હતી. ત્યારબાદ તેમણે પાંચ વર્ષ સુધી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોર્મના સભ્ય તરીકે સેવા આપી હતી. 10 જુલાઈ 1995 ના રોજ તેઓ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના જજ તરીકે જોડાયા હતા. તેમણે 2003થી 2008 દરમિયાન ગુજરાતના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટના જજ તરીકે પણ સેવા આપી હતી. સોનિયા ગોકાણીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના સ્પેશિયલ કોર્ટના જજ તરીકે કામ પણ કર્યું હતું.
આ પણ વાંચો : Gujarat High Court : 1200 વૃક્ષના કાઢી મૂળીયા ઉખેડી નાંખ્યા, હાઈકોર્ટ આકરા સવાલ
રાજ્ય ન્યાયિક એકેડેમીમાં ભણાવ્યું : વર્ષ 2008માં સોનિયા ગોકાણીની ગુજરાત હાઇકોર્ટમાં ભરતી વિભાગ માટે રજીસ્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે દોઢ વર્ષ સુધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગના રજિસ્ટ્રાર તરીકે સેવા આપી હતી. સોનિયા ગોકાણીએ ગુજરાત રાજ્ય ન્યાયિક એકેડેમીમાં પણ ભણાવ્યું હતું. 17 ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાત હાઇકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકે તેમની નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 28 જાન્યુઆરી 2013 ના રોજ તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Gujarat High Court : 45 વર્ષ જૂના કેસોને લઈને નારાજગી, નવ જસ્ટિસે હાઇકોર્ટ સમક્ષ માંગી માફી
સોનિયા ગોકાણી સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ : સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા જસ્ટિસ સોનિયા ગોકાણીની મુખ્ય ન્યાયાધીશ તરીકે પસંદગી કરવામાં આવતા કોલેજીયમનું માનવું હતું કે જસ્ટિસ સોનિયા ગોકાણી સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. તેઓ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થવા માટે તમામ રીતે યોગ્ય છે. તેથી કોલેજીયમ ઠરાવ કરે છે કે જસ્ટિસ સોનિયા ગોકાણીની ગુજરાત હાઇકોર્ટની મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવે. મહત્વનું છે કે હાલ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય જસ્ટિસ તરીકે અરવિંદ કુમાર સેવા આપી રહ્યા છે. પરંતુ તેમની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવતા હવે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયા ગોકાણીની નિયુક્તિ કરવામાં આવી છે.