મંગળવારના રોજ GHCAAના જોઇન્ટ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે એક ઠરાવ મારફતે જણાવ્યું હતું કે, GHCAAના પ્રેસિડેન્ટ સિનીયર એડવોકેટ યતિન ઓઝાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ઉદ્દેશીને હાઇકોર્ટમાં જજોની નિમણૂંકના મુદ્દે જે પત્ર લખ્યો છે, તેને બાર એસોસિયેશનની જ રજૂઆત ગણવામાં આવે. રાજ્ય સરકાર કે, કેન્દ્ર સરકાર દ્વારા જો હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી ભલામણોને એક સપ્તાહમાં આગળ નહીં મોકલવામાં આવે તો, એસોસિયેશનના સભ્યો 11 ઓક્ટોબરના રોજ કામથી અળગા રહીને પોતાનો વિરોધ દર્શાવશે.
આ પત્રમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત હાઇકોર્ટની કોલેજીયમ દ્વારા આ વર્ષે મે મહિનામાં 15 એડવોકેટ્સ અને પાંચ જ્યુડિશિયલ ઓફિસર્સની હાઈકોર્ટના જજ તરીકે નિમણૂંક કરવા માટેની ભલામણ કરવામાં આવી હતી. જે અનુસંધાને રાજ્ય સરકારે માત્ર પાંચ જ્યુડિશિયલ અધિકારીઓના પ્રસ્તાવ પર અભિપ્રાય આપ્યો હતો અને બાકીના પ્રસ્તાવો પણ સરકારે પોતાના વિચારો આપ્યા નથી.
આ તથ્યોને ધ્યાનમાં રાખીને એવી વિનંતી પણ કરવામાં આવી છે કે, હાઇકોર્ટમાં જજોની નિમણૂંક માટે રાજ્ય સરકારના અભિપ્રાયની રાહ જોવાની જરૂર નથી અને ગુજરાત હાઇકોર્ટની કોલેજીયમે જે પ્રસ્તાવ મોકલાવ્યા છે તેને જ સુપ્રીમની કોલેજીયમે ધ્યાનમાં લેવો જોઇએ. ગુજરાત હાઇકોર્ટની કોલેજિયમની ભલામણમાં રાજ્ય સરકાર ઇરાદાપૂર્વક વિલંબ કરી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તદઉપરાંત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂંક અંગેની એક સતત પ્રક્રિયા હોય છે. વિવિધ બંધારણીય મહાનુભાવો આ પ્રક્રિયામાં સામેલ હોય છે અને એક ચોક્કસ સમય મર્યાદામાં તે કાર્યવાહી પૂર્ણ કરવાની ફરજ પણ નિભાવવાની હોય છે. જેથી કરીને નિમણૂંકની પ્રક્રિયા એક અંતિમ તબક્કે પહોંચી શકે. જે બાબતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કરવામાં આવે છે.