- MBBS / MD / MS સહિતના મેડીકલ-પેરામેડીકલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી અંગે નિર્ણય કરવા રજૂઆત
- ગુજરાતના CMને કોંગ્રેસના મુખ્ય પ્રવકતાએ પત્ર લખીને કરી રજૂઆત
- ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને મળવા પાત્ર આર્થિક સહાય-સ્કોલરશીપ હજુ ચુકવી નથી: કોંગ્રેસ
અમદાવાદઃ સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણીક કાર્ય શરૂ થયુ ન હોવા છતાં ફી માટે કડક ઉઘરાણી કરી રહ્યા છે અને દબાણ કરીને ફી ભરવા મજબૂર કરી રહ્યા છે. ફી નહી ભરે તો પરીક્ષા ફોર્મ અને રજીસ્ટ્રેશનની આગળની કાર્યવાહી કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ દબાણ કરી રહ્યાં છે. પરિણામે સામાન્ય અને મધ્યમવર્ગના વાલીઓ વ્યાપક પ્રમાણમાં આર્થિક હાલાકી હોવા છતાં ગમે તેમ કરીને ફીની ઉંચી રકમ ભરવા માટે મજબુર બન્યા છે.
કોંગ્રેસે પત્ર લખી CMને કરી રજૂઆત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોષીએ ગુજરાતના CM વિજય રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં છ સરકારી, સોસાયટીની આઠ અને સેલ્ફ ફાઈનાન્સ 15 કોલેજોમાં 5,500 બેઠકો છે. સરકારી કોલેજમાં 25,000 વાર્ષિક ફી, સોસાયટીની કોલેજમાં 3.50થી 15 લાખ અને સેલ્ફ ફાયનાન્સમાં 8 લાખથી 28 લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં 21 માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ છે. ડિસેમ્બર મહિનો પૂર્ણ થયા પછી હજુ ક્યારે તબીબી શિક્ષણ શરૂ થાય તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
માંગણીના મુખ્ય મુદ્દાઓ
ખાનગી શૈક્ષણિક સંકુલના માલિકોને સરકાર રક્ષણ આપે છે
એક સત્રની ફી માફ કરવાની માગણી કરવામાં આવી હતી
ઉચ્ચ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી આપી
સંચાલકો ફીની કડક ઉઘરાણી કરી રહ્યા છે
સ્કોલરશીપ જેમને મળવાપાત્ર છે તેમને તાત્કાલિક લાભ આપવામાં આવે
સરકાર એક સત્રની ફી માફ કરે
શિક્ષણની એક સત્રની ફી માફ કરવા કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળની માંગ
તેમણે વધુમાં જણાવ્યું છે કે આ સંજોગોમાં જ્યારે તબીબી શિક્ષણ જ 10 મહિના જેટલા સમયથી સંપૂર્ણ બંધ છે, ત્યારે મેડીકલ કોલેજો સહિતની સંસ્થાઓમાં વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, ઈલેક્ટ્રિસિટીના ખર્ચા થયા નથી. બીજીબાજુ મંદી, મોંઘવારીથી આર્થિક હાલાકી ભોગવી રહેલા સામાન્ય-મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી-લોકડાઉનને લીધે ભારે આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છે. આ સંજોગોમાં રાજ્યના તબીબી શિક્ષણ MBBS, MD, MS, BDS, BAMS, BHMS અને પેરામેડીકલ શિક્ષણની એક સત્રની ફી માફ કરવા કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા વિસ્તૃત તાર્કિક કારણો સાથે લેખીત-રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ બે વખત લેખિતમાં સમગ્ર રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એક સત્ર ફી રાહત માટે પુનઃ રજુઆત કરવામાં આવી, ગુજરાતની વડી અદાલતે પણ રાજ્ય સરકારને ફી માફી માટે નિર્ણય લેવા જણાવ્યું છે, પણ આજદિન સુધી ફી માફીનો નિર્ણય કરવામાં આવ્યો નથી. તો આ અંગે વાલીઓને રાહત થાય તે માટે તાકીદે એક સત્ર ફી માટે નિર્ણય કરવા તેમ જ સાથોસાથ CM સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, મેરીટ સ્કોલરશીપ, અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચના વિદ્યાર્થીઓને મળવા પાત્ર આર્થિક સહાય-સ્કોલરશીપ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં તાત્કાલીક જમા થાય તે માટે તાત્કાલીક નિર્ણય કરવા વિનંતી કરી છે.