અમદાવાદ: ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ કોરોના વાયરસના ભયના ઓથાર હેઠળ પરીક્ષાઓ આપી છે. ભાવિ પેઠીને ઝળહળતું કરનાર વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી માટે રાતદિવસ એક કરી દેતા હોય છે. આવા જ સમયે રાજકોટ અને જેતપુર શહેરમાંથી જે સમાચાર સામે આવ્યાં તેણે વિદ્યાર્થીઓની ચિંતામાં ચોક્કસ વધારો કરી જ દીધો છે. બુધવારે સવારે જેતપુર અને ગોંડલ પંથકમાં રસ્તા પરથી બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળી આવી છે. રસ્તા પરથી મળી આવેલી અનેક ઉત્તરવહીઓ ચીંથરેહાલ સ્થિતિમાં મળી છે. પ્રાથમિક તારણમાં આ ઉત્તરવહીઓ મહેસાણાના કોઈ સેન્ટરની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ બનાવ બાદ શિક્ષણપ્રધાન અને બોર્ડના ચેરમેને સબસલામતના દાવા સાથે તપાસના આદેશ આપી દેવાનું જણાવ્યું છે. જોકે, જે દ્રશ્યો સામે આવ્યાં છે, તેના પરથી સબસલામત ન હોવાનું લાગી રહ્યું છે. તેવા આક્ષેપો ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા મનીષ દોશી કર્યાં હતા.
મનીષ દોશીએ વધુમાં જણાવ્યું કે, રસ્તા પરથી પરીક્ષાની ઉત્તરવહીઓ મળી આવતા હવે સવાલ એ ઉભો થયો છે કે, જે ઉત્તરવહીઓ ફાટેલી હાલતમાં મળી આવી છે. તે વિદ્યાર્થીનું ભાવિ શું? શું તેમણે ફરીથી પરીક્ષા આપવી પડશે? શું તેમને પાસિંગ માર્ક્સ આપીને પાસ કરી દેવાશે? આ બધાં વિકલ્પોમાં નુકસાન અંતે વિદ્યાર્થીઓને જ થશે. કારણ કે, જો પાસિંગ માર્ક્સ આપી દેવામાં આવે તો હોંશિયાર વિદ્યાર્થીને ચોક્કસ તેનાથી નુકસાન થશે. જો ફરીથી પરીક્ષા આપવાની થાય તો વિદ્યાર્થીઓએ ફરીથી તૈયારી અને કોરોના વાયરસના ભય વચ્ચે પરીક્ષા આપવાની થશે. એટલે વિદ્યાર્થીઓ માથે બેવડું ટેન્શન હશે. ત્યારે ભાજપ પર પ્રહાર કરતાં તેને આડે હાથ લીધી હતી.