અમદાવાદ : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગુજરાતમાં નવીન બ્રિજ બાંધકામોમાં થતાં ભ્રષ્ટાચારને લઇ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે ભાજપ સરકાર પર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં કોન્ટ્રાકટરોને મિલીભગતથી બ્રીજના નિર્માણ માટે કરોડોની ગ્રાન્ટ આપી દેવામાં આવે છે જેના કારણે હલકી ગુણવત્તા વાળા બ્રિજ તૈયાર થાય તે પહેલાં જ અકસ્માતને આમંત્રણ મળી જાય છે.
નવીન બાંધકામોમાં ભંગાણ : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ઉલ્લેખ કર્યો હતો કે બ્રિજની હોનારતોમાં બાંધકામ નબળું હોવાનું શિક્ષણમંત્રીએ પણ સ્વીકાર્યું છે એટલે હવે ભાજપ પોતાની નીતિ છુપાવી શકશે નહી. ગુજરાતમાં સતત નવીન બાંધકામોમાં ભંગાણ સર્જાઇ રહ્યા છે તેમાં નહેર હોય, બ્રિજ હોય કે આવાસો હોય, બધી જગ્યાએ સરકારની મિલી ભગત ચાલી રહી છે. કોર્પોરેશન વિસ્તારમાં બ્રિજોનું પણ આવા જ પ્રકારનું બાંધકામ થયું છે. તેના જાહેરમાં દાખલાઓ જોવા મળ્યા છે.
કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર : બ્રિજના કોન્ટ્રાકટરો દ્વારા કમલમમાં કરોડો રૂપિયા ચૂંટણી ફંડમાં આપવામાં આવે છે તેવો આક્ષેપ પણ મનીષ દોશીએ કરતા વધુમાં કહ્યું હતું કે ગૂજરાત કોર્પોરેશન વિસ્તારમા પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. પરંતુ કૌભાંડી કોન્ટ્રાકટર પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આવા કૌભાંડ બાબત કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવે છે ત્યારે અન્ય જગ્યાએ ટેન્ડર ભરી કામ મેળવી લેતાં હોય છે. કોન્ટ્રાકટરને એક શહેરમાં બ્લેક લિસ્ટ કરીને બીજા શહેરમાં ટેન્ડર આપવામાં આવે છે. જેમાં ભાજપની મિલી ભગત સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ત્યારે હવે ગુજરાત સરકારે લોકોના હિતને ધ્યાનમાં રાખીને આવા કોન્ટ્રાકટર વિરૂધ્ધ પગલા લેવા જોઇએ અને કરોડોના ભ્રષ્ટાચાર બાબતે ગંભીર થવું જોઈએ... મનીષ દોશી (કોંગ્રેસ પ્રવક્તા)
બ્લેક લિસ્ટ કરેલા કોન્ટ્રાકટરને કામ : કોંગ્રેસ નેતા મનીષ દોશીએ ભાજપને આડે હાથ લઈ પ્રહારો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં બ્રિજના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચારના ઘણા દાખલાઓ સામે આવ્યા છે. જેમાં હાટકેશ્વર બ્રિજનું બાંધકામ અને તાજેતરમાં પાલનપુર શહેરમાં બની રહેલા નવીન ફ્લાયઓવર બ્રિજ તૂટી પડતાં બે યુવકોના મોત નીપજ્યા હતાં. જેનું કામ બ્લેક લિસ્ટ કરેલા કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું જે બાબત ગંભીર ગણી શકાય.