અમદાવાદ: ગુજરાતમાં ઓફિસિયલ સિક્રેટ મુજબ સજા ફટકારવામાં આવી હોય એ આ પ્રથમ કેસ છે. આ કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અમદાવાદની વિશેષ અદાલતે સીરાજુદિન, મહમદ અયુબ ઉર્ફે સાકીર શેખ અને નવસાદ અલી અમદાવાદ, ગાંધીનગર તથા રાજસ્થાનની આર્મીની માહિતી પાકિસ્તાનને મોકલાવતા હતા.
ત્રણ આરોપીને આજીવન કેદની સજા: સરકારી એડવોકેટ ભરત પટણીએ જણાવ્યું હતું કે, વિશેષ અદાલતે આ કેસમાં ચુકાદો આપતા મહત્વનું અવલોકન કર્યું છે. આ ત્રણેય આરોપીઓએ ભારતની અખંડિતતા તેમજ સુરક્ષાને ઘણું મોટું જોખમ ઊભું કરેલું છે. ભારત દેશના 140 કરોડ નાગરિકોની સુરક્ષાનો વિચાર કરેલો નથી અને માત્ર પોતાના હિતનો તથા પાકિસ્તાનના હિતોનો જ વિચાર કરેલો છે. પાકિસ્તાન માટે આવા જાસૂસી કરવાવાળા વ્યક્તિઓએ સ્વેચ્છાએ દેશ છોડીને પાકિસ્તાન જતા રહેવું જોઈએ અથવા સરકારે તેઓને શોધીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.
'આવા લોકોથી દેશને ઘણું નુકસાન થઈ શકે છે. તેમજ ભારત દેશની આર્મીની કોઈપણ ગતિવિધિ વિશે જાસુસી પણ થશે નહીં અને ભારત દેશની અખંડિતતા તેમ નાગરિકો પણ સલામત રહેશે. દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ પ્રત્યે દયા રાખીને ઓછી સજા કરવામાં આવે તો તે પણ દેશ વિરોધી પ્રવૃત્તિ જ ગણાય. માટે આવા લોકોને ઓછી સજા કરી શકાય નહીં.' -ભરત પટણી, સરકારી એડવોકેટ
ક્યાં ગુનાઓ હેઠળ કેટલી સજા કરવામાં આવી?: આરોપી સિરાજુદ્દીન ઉર્ફે કરામત અલી ફકીર, આરોપી મહમદ અયુબ ઉર્ફે સાકીર શેખ, આરોપી નવસાદઅલી, મકસુદ અલી સૈયદ ત્રણેય આરોપીઓ સામે ગુનો પુરવાર થતાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ઇન્ડિયન પીનલ કોડ 120 (બી) મુજબ આજીવન કેદની સજા, આઇપીસી કલમ 121 મુજબ આજીવન કેદની સજા, કલમ 121( A) મુજબ આજીવન કેદની સજા ,કલમ 123 મુજબ 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ 2002 ની કલમ 66 (એફ) મુજબ આજીવન કેદની સજા ,અને ઓફિસિયલ સિક્રેટ એક્ટ 1923 કલમ 3 મુજબ 14 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ વિશેષ અદાલતે આરોપીઓને 20,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
શું છે સમગ્ર કેસ: આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, સીરાજુદ્દીન, મહંમદ અયુબ ઉર્ફે સાકીર શેખ, નવસાદ અલી આ ત્રણેય આરોપી ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલાવતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2012માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ સામે અલગ અલગ આરોપો છે. આ આરોપીઓ પર અમદાવાદ તથા ગાંધીનગરના મીલીટરી સ્ટેશન તથા તેની હિલચાલની ગુપ્ત માહિતી લેખિત સ્વરૂપે પાકિસ્તાનને પહોંચાડવાનો આક્ષેપ હતો. લેખિત માહિતીની સાથે આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારનો નકશો પણ તૈયાર કર્યાનો કરવામાં આવ્યો હતો. ગુજરાત સિવાય રાજસ્થાનના જોધપુર આર્મી કેન્ટોનમેન્ટ તથા બીએસએફ હેડ ક્વાર્ટરની પણ ગુપ્ત હકીકતો તેમણે પાકિસ્તાનને મોકલી હોવાનો આરોપ આરોપીઓ પર લાગેલો છે.