અમદાવાદ : સરકારી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને જરૂરી સંસાધનો પણ પુરા પાડવામાં આવ્યા છે, ત્યારે સરકારના તમામ વિભાગોમાંથી લાંચની બદી દૂર થાય તે માટે ખાનગી રાહે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને લાંચિયા કર્મચારીઓને પકડી લેવા અને તેઓએ ભ્રષ્ટાચારથી વસાવેલ મિલકતો શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
અપ્રમાણસર મિલકત અંગેની તપાસ : આ અંગે અભિયાનના ભાગરૂપે તાજેતરમાં જ જુદા જુદા વિભાગના લાંચિયા વૃતિ ધરાવતા અનેક સરકારી અધિકારી કર્મચારીઓની યાદી તૈયાર કરી તેઓની ઉપર ખાસ વોચ રાખવામાં આવી હતી. આ અંતર્ગત કુલ 35 અધિકારી-કર્મચારીઓને તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ મિલકત વસાવી હોવાના પ્રાથમિક માહિતી મળતા તે તમામ વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અન્વયે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અમારી પ્રજાને અપીલ છે કે કોઈપણ વ્યક્તિ તેઓની પાસે લાંચ માંગતું હોય તો અમારી ટોલ ફ્રી હેલ્પલાઇન પર સંપર્ક કરશો...જી. વી. પઢેરીયા (DYSP, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો)
કયા વિભાગના અધિકારીની તપાસ : સરકારી વિભાગોમાં શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, મહેસુલ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિગમ, શિક્ષણ વિભાગ, નાણા વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નર્મદા અને જળ સંપત્તિ વિભાગના અધિકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ : જે પૈકી ક્લાસ વનના 4 ક્લાસ ટુના 12 અને ક્લાસ 3ના 19 અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત તાજેતરમાં ભાવનગર જિલ્લામાં ઉજાગર થયેલા ડમીકાંડના કૌભાંડમાં સંડોવાયેલા જુદાજુદા વિભાગ અને વર્ગના કુલ 16 અધિકારી કર્મચારીઓએ ભ્રષ્ટાચાર આચરી તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ મિલકત વસાવી હોવાની સંભાવના હોવાથી તે અંગે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.