અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સેતુ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની તૈયારી દર્શાવાઇ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે રાઇટ ટુ એજ્યુકેશનનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે. ભાજપ સરકાર અત્યાર સુધીમાં 6,000 થી પણ વધારે સરકારી શાળાઓ બંધ કરી દેવાઇ છે અને આ પ્રોજેક્ટથી વધુ સરકારી શાળાઓ બંધ કરવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે તેઓ આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
ખાનગીકરણ માટે આ પ્રોજેક્ટ : ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સેતુ નામનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે જેના કારણે સરકારી અને ગ્રાન્ટિક શાળાઓના અસ્તિત્વને લઈને પણ લોકો ચિંતામાં મુકાયા છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 1 થી 5 ધોરણ બાદ વિદ્યાર્થીઓને ધોરણ 6 માટે કોમન પ્રવેશ પરીક્ષા મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે. જેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને ફાયદો થાય અને ખાનગીકરણ માટે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Talati Exam 2023: હવે 7 મેના રોજ લેવાશે તલાટીની પરીક્ષા, પરીક્ષા પહેલા આપવું પડશે કન્ફર્મેશન
રાઈટ ટુ એજ્યુકેશનનો ભંગ : આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સાગર રબારીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ 20000 હજાર રૂપિયા જે શાળા પસંદ કરશે તેને આપશે. ભાજપની આ સરકાર બંધારણના આર્ટિકલ 41માં રાઈટ ટુ એજ્યુકેશનનો ભંગ કર્યો છે. શિક્ષણનું ખાનગીકરણ તેમના એજન્ડાના સૌથી ઉપર રહ્યું છે તેવા આક્ષેપો પણ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી છે. ત્યારથી અત્યાર સુધી 6000 જેટલી શાળા બંધ કરી દીધી છે. રાજ્યમાં હાલમાં 1000થી વધુ શિક્ષકો ઘટ જોવા મળી રહી છે. ગુજરાતમાં શાળાની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે.
ભ્રષ્ટાચાર મોડલની આ નવી આવૃત્તિ : વધુમાં ઉમેર્યું હતું કે સરકાર પોતાની શાળાઓની હાલત છુપાવવા માટે જ્ઞાન સેતુ નામથી આ એક નવી સ્કીમ શરૂ કરી છે. ભાજપ શિક્ષણ, આરોગ્ય, ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ કૌભાંડ પછી ભ્રષ્ટાચાર મોડલની આ નવી આવૃત્તિ રજૂ કરવામા આવી છે. ખાનગી સંસ્થાની પસંદગીના જે માપદંડો આપવામાં આવ્યા છે. તે બાબતમાં સરકાર હજુ સંસ્થા નક્કી કરવામાં નિશ્ચિત નથી. આ યોજનાથી માત્ર સરકારનાં મળતિયાને સહેલાઈથી આનો લાભ મળે તેવો આક્ષેપ સરકાર સામે કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા હજુ વધારે સરકારી શાળાઓ બંધ કેવી રીતે કરી શકાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો Surat School News : સેવન ડે શાળાએ એલસી આપી દેતા આઠ દીકરીઓ ચોધાર આંસુએ રડી
જ્ઞાન સેતુ પ્રોજેક્ટનો વિરોધ : સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે એક એન્જિનિયરિંગ કોલેજના પ્રાધ્યાપક શિક્ષણના અતિભારણ કારણે આત્મહત્યા કરે છે અને પોલિસ આને કામના ભારણનું કારણ બતાવે છે. આ એવી ઘટના છે જેમાં સરકારની આંખો શરમના કારણે ઝૂકી જવી જોઇએ. તેના બદલે શિક્ષણના ખાનગીકરણ તરફ સરકાર આગળ વધી રહી છે. આ ખૂબ ગંભીર બાબત છે. ફિક્સ પગારથી ભરતી કરી અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ જ્ઞાન સેતુ પ્રોજેક્ટનો આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે.