- ઓનલાઈન વેચીને પ્રાપ્ત થયેલ ફંડનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરશે
- કુલપતિપદને મળેલી તમામ ભેટ સોગાદોને જાહેર જનતાને ખરીદવા માટે અપીલ
- અંદાજીત 80,000ની 48 ભેટના ફંડને મુખ્યમંત્રી કન્યા કેળવણી નીધિમાં જમા કરાવવામાં આવશે
અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ટેક્નિકલ શિક્ષણની સાથે-સાથે દેશ વિકાસમાં સરકારને સહભાગી થવા માટે અનેક પ્રકારે કાર્યરત રહે છે. કોરોનાના કપરાકાળમાં પણ GTUના દરેક કર્મચારીઓ દ્વારા યથાયોગ્ય ફંડ મુખ્યમંત્રી રાહત નીધિમાં જમા કરાવવાની પહેલ કરી હતી.
સન્માન હંમેશા પદનું થતું હોય છે, વ્યક્તિનું નહીં
સન્માન હંમેશા પદનું થતું હોય છે, વ્યક્તિનું નહીં આ વાતને સમર્થન આપતા કુલપતિપદને મળેલી તમામ ભેટ સોગાદોને જાહેર જનતાને ખરીદવા માટે અપીલ કરવામાં આવી છે. આ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, અશોક સ્તંભ, ચરખો, સીદી સૈયદની ઝાળી જેવી વિવિધ પ્રતિકૃતીઓ, ચાંદી અને સોનાના ઢોળ ચઢાવેલ રાણીછાપ સિક્કા, વિવિધ ફોટોફ્રેમ અને મૂર્તિઓને ઓનલાઈન વેચવા માટે મૂકવામાં આવી છે.
ફંડને મુખ્યમંત્રી કન્યા કેળવણી નીધિમાં જમા કરાવવામાં આવશે
કન્યા કેળવણી માટે પણ GTU સતત અગ્રેસર રહે છે. જેના ઉપલક્ષે GTUના કુલપતિપદને મળેલી ભેટ સોગાદોને વેચીને મેળવેલા ફંડનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવાનો નિર્ણય GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા કરવામાં આવ્યો છે. આ સંદર્ભે કુલપતિ ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સન્માન હંમેશા પદનું થતું હોય છે, વ્યક્તિનું નહીં. જેથી કરીને કુલપતિપદને મળેલ તમામ ભેટ સોગાદોને જાહેર જનતાને ખરીદવા માટે અપીલ કરવામાં આવે છે. તેમાંથી પ્રાપ્ત થયેલ ફંડને મુખ્યમંત્રી કન્યા કેળવણી નીધિમાં જમા કરાવવામાં આવશે. GTUના કુલસચિવ ડૉ. કે. એન . ખેરે પણ કુલપતિના આ નિર્ણને સહર્ષ વધાવીને દરેક જાહેર જનતાને GTUના આ નિર્ણયમાં સહભાગી થવા માટે અપીલ કરી છે.
કઈ કઈ છે ભેટ સોગાદ?
GTUના કુલપતિપદને વિવિધ જાહેર સમારંભમાં મળેલા 48 ભેટ સોગાદોને જાહેર જનતા માટે ઓનલાઈન વેચીને તેમાંથી મેળવેલી અંદાજીત 80,000ના ફંડનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરશે. આ ભેટ સોગાદોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, અશોકસ્તંભ, ચરખો, સીદી સૈયદની જાળી જેવી વિવિધ પ્રતિકૃતીઓ, ચાંદી અને સોનાના ઢોળ ચઢાવેલા રાણીછાપ સિક્કા, વિવિધ ફોટો ફ્રેમ અને મૂર્તિઓને ઓનલાઈન વેચવા માટે મૂકવામાં આવી છે.
કેવી રીતે ખરીદી કરી શકાશે?
જાહેર જનતા આ ભેટ સોગાદોને જીટીયુની વેબસાઈટની http://vcgift.gtu.ac.in/ લિંક પરથી આગામી 31 ડિસેમ્બર સુધી ઓનલાઈન ખરીદી શકશે.