હાઇકોર્ટની ડબલ બેન્ચ જસ્ટિસ જે. બી. પારડીવાલા અને એ. સી. રાવની ખંડપીઠે સત્તાવાર રીતે પરિપત્ર બહાર પાડી આ મુદ્દે વકીલોને જાણ કરવામાં આવી છે. દર સોમવાર અને મંગળવારે ઇન્કમટેક્ષના કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. જયારે બુધવારે GSTને લગતા અને ગુરુવારે ઇન-ડાયરેકટ ટેક્ષ સંબંધિત કેસ સાંભળવામાં આવશે. હાઇકોર્ટ દ્વારા નોટિસ બહાર પાડી એક મહિના અગાઉ વકીલોને આ મુદ્દે જાણ કરી દેવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, લગભગ જુલાઈ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં આ સિસ્ટમ અમલમાં મુકવામાં આવશે. શુક્રવારે ઇન્કમટેક્ષના કેસને લગતી અંતિમ સુનાવણી એટલે કે ફાઇનલ હિયરિંગ રાખવામાં આવશે. જો કે, સાંભળવાના બાકી રહી ગયેલા કેસની સુનાવણી અન્ય દિવસોમાં હાથ ધરવામાં આવશે. વકીલોને કોઈપણ કેસ માટે પ્રાયોરિટી ન માંગવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
ટેક્સ અને GSTના કેસની સુનાવણી કરતા વકીલે નામ ન જાહેર કરવાની શરતે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, GSTના કેસ માટે એક જ દિવસની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે અપીલ માટે અન્ય કોઈ ફોરમ ન હોવાથી હાઇકોર્ટમાં જ અરજી કરવી પડે છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે GSTના ડિફોલ્ટરોને આગોતરા જામીન ન આપવાનો આદેશ કર્યો હતો.
અમદાવાદથી આકીબ છીપાનો વિશેષ અહેવાલ.