- કોરોનાની રસી બાદ તાવ આવવો અને માથું દુ:ખે તે સામાન્ય
- અત્યાર સુધી 3,553 ફ્રન્ટલાઇન વર્કરે લીધી વેક્સિન
- સુપ્રિંટેન્ડન્ટ ડૉ.મોદીએ બધાને વેક્સિન લેવા અપીલ કરી
અમદાવાદ : શહેરની વિવિધ પોલીસ એકેડમીમાંથી આવેલા મહિલા પોલીસકર્મીઓને કોવિડની વેક્સિન પછી કોઇ પણ પ્રકારની ગંભીર આડઅસર જોવા મળી નથી. સાથે જ મહિલા પોલીસકર્મીઓમાંથી કેટલાક મહિલા પોલીસકર્મીઓને વેક્સિન લીધા પછી સામાન્ય અસર થઈ હતી. જેના કારણે તેમની હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવવામાં આવી હતી. સુપ્રિંટેન્ડન્ટ ડૉ.મોદીએ તમામ પોલીસકર્મીઓ અને હેલ્થ વર્કરોને વેક્સિન લેવા માટે અપીલ પણ કરી હતી કે, કોરોનાની વેક્સિન બાદ સામાન્ય તાવ આવવાની અને માથુ દુ:ખાવાની ફરિયાદ રહેતી હોય છે, પણ તેનાથી કોઈએ ડર રાખવાની જરૂર નથી.
વેક્સિન લીધા બાદ જો ઉપરોક્ત તકલીફ સિવાયની અન્ય કોઈ તકલીફ જણાય તો તબીબી તપાસ કરાવવી જરૂરી છે. પરંતુ ખોટો ભય રાખવાની જરૂરિયાત નથી. 889 વ્યક્તિઓને કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં 606 હેલ્થવર્કર્સ અને 283 ફ્રંટલાઈન કોરોના વોરિયર્સનો સમાવેશ થાય છે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં 11 દિવસના અંતે વેક્સિન લેનારની કુલ સંખ્યા 3,553 થઈ છે, તેમજ 710 પોલીકર્મીઓએ બે દિવસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લીધી છે.