અમદાવાદઃ કોરોનાની મહામારીમાં ગરીબ વર્ગના લોકોની હાલત કફોડી બની ગઇ છે. જ્યારે તેઓને સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરમાં કાર્યરત 750 વ્યાજબી ભાવની દુકાનો ઉપરથી કુલ 7,11,504 NON NFSA અને APL-1 કાર્ડ ધારકોને 18 મેથી 23 મે દરમિયાન કાર્ડ દીઠ ઘઉં,ચોખા, ચણાદાળ જેવા અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 10 વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનો ઉપર સવારે 8:00 કલાકથી બપોરના 01:00 વાગ્યા સુધી જ રાશન વિતરણ કરવામાં આવશે.
જ્યારે એ સિવાયના વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનો ઉપર સવારે 08:00 કલાકથી બપોરના 03:00 કલાક સુધી રાશન જથ્થો વિતરણ કરવામાં આવશે.
રેશનકાર્ડના અંતિમ અંક 1 અને 2 હોય તેમના માટે 18-મે, અંતિમ અંક 3 અને 4 હોય તેમના માટે જથ્થો મેળવવાનો દિવસ 19-મે, અંતિમ અંક 5 અને 6 હોય તેમના માટે 20-મે, અંતિમ આંક 7 અને 8 હોય તેમના માટે 21-મે અને અંતિમ આંક 9 અને 0 હોય તેમના માટે 22-મે નો દિવસ રાશન વિતરણ માટે નિયત કરવામાં આવ્યો છે.
NFSA અને વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ મળવાપાત્ર જથ્થાનું વિતરણ અમદાવાદ શહેરમાં સોમવારથી કરવામાં આવનાર નથી. આ માટેની તારીખ અલગથી જાહેર કરવામાં આવશે તેમ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક અમદાવાદ શહેરની અખબારી યાદીમાં જણાવાયું છે.