સુરતઃ શહેરના સચીન વિસ્તારના સરકારી અનાજના ગોડાઉનમાંથી 27 ઑક્ટોબર 2022એ ઘઉંના 450 કટ્ટા તથા MDM ફોર્ટિફાઈડ ચોખાના 950 કટ્ટા સાથે ત્રણ ટ્રક મળી કુલ 3,87,500 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. આમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો કોઈ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ ખાતે લઈ જવાનું ખોટું ડિલીવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, આરોપીઓ ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ પ્રાથમિક તપાસ પછી તેમની સામે 8 નવેમ્બર 2022એ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad Crime: જમીન કૌભાંડમાં 11 સામે ગુનો નોંધાતા 4ની ધરપકડ, ભૂમાફિયા કનુ ભરવાડનું નામ આવ્યું સામે
ટોળકીએ ખોટા હિસાબો બતાવ્યા હતાઃ ઉપરાંત આ ટોળકીએ સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો-બીલો બનાવી ખોટા હિસાબો બતાવી વાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પૂરેપૂરો મળ્યો હોવાનું બતાવ્યું હતું. આ અનાજના જથ્થા પૈકી રૂ. 8.32 લાખનો ઘઉંનો 2,700 કિવન્ટલ જથ્થો સગેવગે કરી ઉચાપત કરી હતી. ઉપરાંત ચોખા, ખાંડ, મીઠું મળી 7,606 કિવન્ટલ અને ચણા (MDM) 62 કિલો મળી કુલ રૂ. 1,28 કરોડથી વધુનો જથ્થો પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પૂરેપૂરો ન મોકલી ગોડાઉનમાં જમા રાખ્યો હોવાનું જણાયું હતું.
7 આરોપીની થઈ હતી ધરપકડઃ બીજી તરફ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ સમગ્ર કૌભાંડને ગંભીરતાથી લીધું હતું. ત્યારબાદ સુરત શહેર પોલીસ કમિશનરને આ કેસની બારીકાઈથી તપાસ કરવા અને કૌભાંડમા સંડોવાયેલા પ્રત્યેક ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાના મૂળ સુધી પહોંચવા SITની રચના કરી સમગ્ર તપાસ સુરત શહેર ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી હતી. આમાં ઉપરોક્ત બંને ગુનાઓમાં સંડોવાયેલા ગોડાઉન મેનેજર પ્રિતી મનુભાઈ ચૌધરી સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓ સરકારી અનાજની ગુણોમાંથી અનાજ કાઢી લેતા હતાઃ આ ગુનાની તપાસમાં સચીન ગોડાઉન મેનેજર પ્રિતી ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડિલીવરી) ઈજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઈ આવી હતી. આ ગુનામાં પકડાયેલા અન્ય સહઆરોપીઓ સાથે મળી સરકારી અનાજની ગુણોમાંથી 2થી 3 કિલો અનાજ કાઢી લેતા હતા. તેમ જ સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરૂ અનાજ ન મોકલી અનાજ ગોડાઉનમાં જમા રાખી અન્ય ગુણોમાં પેક કરતા હતા. બાદમાં મળતિયાઓ મારફતે વેચાણ કરીને કૌભાંડ આચર્યું હતું.
સુરત ક્રાઈમબ્રાન્ચની તપાસમાં થયા ખુલાસાઃ સુરત ક્રાઈમબ્રાન્ચે તપાસ કરતા સમગ્ર કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનારો આરોપી સુનિલ ભગવતીલાલ શર્મા (રહે. પ્લોટ નં.બી 6, અનુપપાર્ક સોસાયટી, ગાંધીરોડ, બારડોલી, જિ સુરત)ને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી સુનિલે સચીન ગોડાઉન મેનેજર પ્રિતી ચૌધરી અને અન્ય સાગરિતો પાસેથી સસ્તા ભાવે અનાજ લઈ તે અનાજની ગુણો બદલી નાખી બીજી પ્લાસ્ટિકની ગુણોમાં ભરી અલગઅલગ રાઈસ મિલો તેમ જ વેપારીઓને બજારભાવે અનાજ વેચી દેતો હતો. આ કૌભાંડ થકી કરોડો રૂપિયાનો આર્થિક લાભ મેળવી આંગડિયા મારફતે તે વ્યવહાર સહઆરોપીઓને પહોંચાડતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં, આ આરોપી અગાઉ વર્ષ 2021માં પણ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે રીતે અનાજ ટ્રકમાં ભરી લઈ જતા પકડાઈ ચૂક્યો છે.
આ પણ વાંચોઃ Protest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી
SIT કરી રહી છે તપાસઃ આ ઉપરાંત સચીન ખાતેના સરકારી ગોડાઉનમાં પોતાની પત્નિની જગ્યાએ કમ્પ્યુટર ઑપરેટર તરીકે નોકરી કરી ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવા માટે ખોટા ડિલીવરી ચલણો બનાવનારો આરોપી ધીરેન વિઠ્ઠલભાઈ રાવળ (રહે. ઘર નં. 14, નરસિંહનગર સોસાયટી જેરામ મોરારની વાડી પાસે કતારગામ, સુરત)ની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે કમ્પ્યુટર ઑપરેટર તરીકે ગેરકાયદેસર રીતે નોકરી કરી કૌભાંડ આચરવામાં મદદગારી કરી હોવાનું બહાર આવ્યું છે. આ બંને આરોપીઓને કોર્ટે 6 માર્ચ 2023 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે, જેની વધુ તપાસ સુરત ક્રાઈમબ્રાન્ચની SIT કરી રહી છે.