અમદાવાદ: જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. તેમજ ચીન અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી છે, તેમજ વિશ્વના દેશોની ઈકોનોમી ડામાડોળ છે. કોરોનાને કારણે આર્થિક રાહત પેકેજ આપવામાં આવ્યા છે, આવા કપરા સંજોગો વચ્ચે સલામત રોકાણ ગણાતા સોનાચાંદી ફયુચરમાં જોરદાર લેવાલી ચાલુ રહેતા ભાવ વધુ ઊંચકાયા છે.
સોનુ રૂ. 54,300 અને ચાંદી રૂ. 64,000ના રેકોર્ડ ઊંચા ભાવે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ 1940 ડૉલર જે 9 વર્ષની નવી હાઈ પર પહોંચી ગયો છે. તેમજ સિલ્વર 24.31 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. આમ કોમેક્સ અને નાયમેક્સમાં ગોલ્ડ સિલ્વરના ભાવ સ્પ્રિંગની જેમ ઉછળીને આવતાં સ્થાનિક બજારોમાં સોનાચાંદીમાં નવી ડિમાન્ડથી ભાવ ઊંચકાયા હતા. અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનું શનિવારની સરખામણીએ રૂપિયા 1100 વધી રૂ.54,300 રહ્યું હતું. અને ચાંદી ચોરસા શનિવારના બંધભાવની સામે રૂપિયા 3000 વધી રૂ.64,000 બંધ રહ્યો હતો. સોનાના હૉલમાર્ક દાગીના રૂપિયા 53,215 બોલાયો હતો.મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ગોલ્ડ ફયુચર રૂ.948 વધી રૂ.51,983 પર ટ્રેડ થતું હતું અને સિલ્વર ફ્યુચર રૂ.3834 વધી રૂ.65,057 પર ટ્રેડ થતું હતું.