અમદાવાદ: રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. જૂનાગઢ, વેરાવળ, નવસારી, સુરત, વડોદરા સહિતના શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. લોકો પણ ભારે વરસાદને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં પણ અનેક જિલ્લાઓમાં હવન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં ગત રોજ 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો પણ રસ્તા ઉપર જ પોતાના વાહન મૂકીને ઘરે જવા મજબૂર બન્યા હતા. આજે વહેલી સવારથી જ ગેરજમાં વાહનોની મોટી કતાર જોવા મળી રહી છે.
મોટી સંખ્યામાં વાહન બગડ્યા: ઇસ્તિયાક પઠાણ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સામાન્ય દિવસમાં રોજના 15 થી 20 જેટલા બાઈક કે એક્ટિવા રીપેરીંગ કરવા માટે આવતા હોય છે પરંતુ ગત રોજ પડેલા ભારે વરસાદને કારણે અનેક બાઈક ચાલકો મુશ્કેલી મુકાયા હતા. બપોરના એક વાગ્યા સુધીમાં 40 જેટલા બાઈક રીપેર કરી દેવામાં આવ્યા છે. આવતીકાલે ચાલુ દિવસ હોવાને કારણે નોકરીયાત વર્ગ આજે પોતાનું બાઈક રીપેરીંગ કરાવી રહ્યો છે. અને હજુ પણ બે થી ત્રણ કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. કારીગર દ્વારા પણ શક્ય હોય તેટલું જલદી કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.
'મોટાભાગના બાઈક અને એક્ટિવાના પ્લગ, કારબોરેટર, ફિલ્ટર ખરાબ થઈ રહ્યા છે. આ ઉપરાંત એન્જિન ઓઇલ બદલવાની જરૂર પડી રહી છે. સાથે જ લોકોને અપીલ કરી હતી કે જે જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં શક્ય હોય તો વાહન તેમાં નાખવું જોઈએ નહીં. થોડીક રાહ જોઈને જ ત્યાંથી નીકળવું કારણકે પાણીમાં વાહન નાખવાથી વાહનને પણ નુકસાન થઈ શકે છે.' -ઇસ્તિયાક પઠાણ, મિકેનિક
વાહન ચાલકો અટવાયા: અમદાવાદ શહેરમાં ગતરોજ સાંજે પડેલા ભારે વરસાદને કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. ખાસ કરીને શિવરંજની, માણેકબાગ, વેજલપુર, શ્યામલ, જેવા વિસ્તારોમાં પાણી ભરાતા જ લોકો પોતાના ટુ વ્હીલર અને ફોર વિહીલર ત્યાં મૂકીને જ પોતાના ઘરે જવા મજબૂર બન્યા હતા. જેના કારણે વાહનમાં પાણી ભરાઈ જતા જ વાહન ખોટવાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેના કારણે આ જ રવિવાર દિવસે જ વાહનના ગેરેજમાં ભારે લાઈન જોવા મળી રહી છે.