અમદાવાદ: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી અખબારી યાદી પ્રમાણે 15 એપ્રિલથી 4 મે સુધીના 20 દિવસના સમયગાળામાં રાજ્યમાં કોરોનાની બીમારીથી 276 લોકો મૃત્યુ પામ્યાં હતા. જેમાંથી 142 દર્દીઓ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યાં છે. આ સમયગાળા દરમિયાન 66 લોકો SVP હોસ્પિટલમાં મૃત્યુ પામ્યાં છે. આ ૨૦ દિવસના સમયમાં કોરોનાથી વડોદરામાં 21 અને સુરતમાં 27 લોકોના મોત નીપજ્યાં છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ બેડની વ્યવસ્થા કરાઈ હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓને ત્યાં દાખલ કરવામાં આવે છે, જેથી મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. વળી રાજ્યના અનેક જિલ્લાઓમાં અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાથી કોઈ દર્દીની તબીયત લથડે અથવા વધારે તકલીફ થાય તો તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધુ હોવાથી વધારે પ્રમાણમાં દર્દીઓ અહીં દાખલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ મુદ્દે દર્દીઓએ રોષ વ્યકત કર્યો હોય તેવા અનેક કિસ્સા ભૂતકાળમાં પણ સામે આવ્યા છે. આ અંગે લેખિત રજૂઆત છેક CM સુધી કરવામાં આવી છે.
કોરોનાથી મૃત્યુ પામનાર મોટાભાગના દર્દીઓને કોઈ કો-મોરબીડીટી એટલે કે પહેલેથી ડાયાબિટિસ, બી.પી. હદય રોગ, કેન્સર જેવી અન્ય બીમારી હોય તેવા દર્દીઓનું કોરોનાથી મૃત્યુ પામવાની સંખ્યા વધુ છે. જોકે ઘણા દર્દી એવા પણ છે કે જેમનું મૃત્યુ પ્રાથમિક રીતે Covid-19ને કારણે થયું તેવા પણ કિસ્સા સામે આવ્યા છે. આ બધા કેસમાં લેટ ડિટેક્શન એટલે કે રોગનું મોડું નિદાન કારણભૂત હોઈ શકે. કોઈપણ વ્યક્તિને જો તાવ, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ વગેરે સમસ્યા થતી હોય તો વહેલી તકે કોરોના હેલ્પલાઇનની મદદથી ચિકિત્સાક સહાય લેવી જોઈએ. બીજું મોટું કારણ ઉંમર છે, મોટાભાગના દર્દીઓ કે જેમના કોરોનાથી મોત થયા છે તેમની ઉંમર 40થી વધુની છે. જો કે યુવાઓમાં પણ કોરોનાથી મૃત્યુના કેસ આવ્યા છે, પરંતુ ઓછા છે. આ બીમારીથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળા અને સામાજિક અંતર એક માત્ર ઉપાય છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ૧૨ એપ્રિલ સુધીમાં કોરોનાથી કુલ 537 દર્દીઓના મોત નિપજ્યા છે. જે પૈકી સૌથી વધુ 421 મોત અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. હાલ ગુજરાતમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 8904 છે જેમાંથી 5121 કોરોનાના એક્ટિવ કેસ છે. અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 4058 જેટલી છે.