વિગતો મુજબ, વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માધુ નિરૂપમાબેન દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પૂર્વ પ્રધાન અને સાંસદ પરબત પટેલ સહિત બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડનાર તમામ ઉમેદવારો દ્વારા સોંગદનામા સાથે વધારાનું સોંગદનામું રજુ કર્યું નથી. અરજદારનો આક્ષેપ છે કે, પરબત પટેલ ગુજરાત સરકારમાં પ્રધાન હોવાથી તેમણે જે સરકારી આવાસ મળ્યું તેની માહિતી સાથેનું વાધારાનું સોંગદનામું રજુ કર્યું નથી. એટલું જ નહિ પરબત પટેલે ઉમેદવારીપત્રની સાથે નમુના 26નો એફિડેવિટ દાખલ કરવાનું હોય છે તે પણ દાખલ કર્યું ન હોવાથી તેમનો ઉમેદવારીપત્ર અધુરૂ અને ખામીવાળું હોવાથી તેને રદ કરવામાં આવે.
આ ચૂંટણીમાં કુલ ૩૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી નિરુપમાબેન સિવાયના અન્ય ૩૨ ઉમેદવારોએ વધારાનું સોગંદનામુ કરેલ નથી. આથી નિરુપમાબેન સિવાયના તમામે તમામ ૩૨ ઉમેદવારોના ઉમેદવારી પત્રો ખામીયુક્ત છે અને ભારતના સંવિધાનના આર્ટીકલ -૮૪(એ) ની જોગવાઈઓના સોગંદ/પ્રતિજ્ઞા ભારતના સંવિધાનની ભાષા અંગ્રેજીમાં, ભારતની ઓફિસીયલ ભાષા અંગ્રેજી ભાષામાં લેવા ફરજિયાત છે જે બાકીના 32 ઉમેદવારોએ અંગ્રેજી ભાષામાં સોગંદ/પ્રતિજ્ઞા કર્યા નથી અને ગુજરાતી ભાષામાં સોગંદ પ્રતિજ્ઞા લીધા છે.
સોગંદ/પ્રતિજ્ઞા એ સંવિધાનના છે અને સંવિધાન માટે ગુજરાતી ભાષા બાકાત છે, આથી તમામ 32 ઉમેદવારોએ સંવિધાનના આર્ટીકલ 84 (એ)મુજબ ગુજરાતી ભાષામાં લીધેલ સોગંદ/પ્રતિજ્ઞા લાયકાત વિનાના,અધુરી વિગતો વાળા અને ખામીવાળા છે તેથી ગેરકાયદેસર અને નિયત નમુના વિરુદ્ધ છે. આ અંગે નિરુપમાબેને જે તે સમયે ચૂંટણી અધિકારી સમક્ષ મૌખિક તથા લેખિત બન્ને રીતે સખત વાંધો ઉઠાવ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બાકીના તમામ 32 ઉમેદવારોના ઉમેદવારીપત્રો ખામીવાળા હોઇ તેને રદ કરવાં તથા બીજું કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી નિરુપમાબેનને બિનહરીફ વિજેતા જાહેર કરવા માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે થોડાક સમય પહેલાં ભાજપના દ્વારકાથી ધારાસભ્ય પભુબા માણેકના ફોર્મમાં ભુલ હોવાથી જીતને રદ જાહેર કરી હતી જેને પડકરાતી રિટ હાલ સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે. વર્ષ 2019 લોકસભાની ચુંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ભાજપના પરબત પટેલનો કોગ્રેસના પારથીભાઈ ભાતોલ સામે વિજય થયો હતો.