અમદાવાદ : અમદાવાદ સર્કિટ હાઉસમાં આજે પ્રવર્તમાન સરકાર આજે ભારતમાં વિકાસના નામે મતો મેળવી લોકોમાં ભ્રમ ઊભો કરી રહી હોવાના આક્ષેપો ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા દ્વારા કરવામાં આવ્યાં છે. સુરેશ મહેતા દ્વારા વર્તમાન સરકારની નીતિઓ અંગે લોકોને જાગૃત કરવાના હેતુથી માધ્યમો સમક્ષ ચર્ચા છેડવામાં આવી હતી.
આદિવાસીઓ માટેના અભિગમ અંગે મત જણાવ્યો : ભાજપ સરકાર સામે સુરેશ મહેતાના આક્ષેપો માધ્યમો સાથે વાત કરતાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે ભાજપે આદિવાસીઓને વિભાજિત કરી ચૂંટણી જીતી જવા માટે મતો સહેલાઇથી મેળવી આદિવાસી સમાજનો દુરુપયોગ કર્યો છે. પરંતુ ગત ચૂંટણીઓમાં સફળ થયા પછી આદિવાસીઓ પ્રત્યે હાલ જે અભિગમ અપનાવાઈ રહ્યો છે તે અતિ ગંભીર છે. સરકાર દ્વારા અવળા પ્રચારથી બધી શક્તિ અને સંશાધનો વાપરી ખરી હકીકત છુપાવી ભય, અત્યાચારના જ હથકંડા અપનાવાઈ રહ્યા છે તેવા આક્ષેપો તેમણે કર્યાં હતાં.
આદિવાસીઓમાં હતાશા : સુરેશ મહેતાએ ગુજરાતની ભાજપ સરકારે આદિવાસીઓને હતાશ કરી નાખ્યા છે તેમ જણાવી કહ્યું કે નકલી ઓફિસો, કૌભાંડોના રાફડા અને ભય, લાલચના પ્રયોગોથી આદિવાસી પોતાની જમીન જાગીર અધિકાર બધુંય ગુમાવી રહ્યો છે. સાથે અવાજ ઉઠાવવાની આદિવાસીઓની શક્તિ બિલકુલ ક્ષીણ થઈ ગઈ છે.
જન અભિયાન બદલે ગુજરાત નામનું કેમ્પેઇન શરુ : તેમણે માધ્યમો સમક્ષ પોતાનો મત રજૂ કરતાં જણાવ્યું હતું કે સાચી વાત સમસ્ત સમાજ સુધી જ્યારે અપપ્રચારથી પહોંચાડી શકાતી નથી ત્યારે આ આદિવાસી પોતાની વ્યથા મીડિયાના માધ્યમથી સમાજને પહોંચાડવા માંગે છે. આ સંજોગોમાં પક્ષીય રાજકારણ નેવે મૂકી આદિવાસીઓની વ્યથા અને કથાને વાચા આપવા જન અભિયાન બદલે ગુજરાત નામનું કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજની આ વાત ઉજાગર કરવા પક્ષ અને સંગઠનનો ભેદ ભૂલી સંવેદનશીલ નાગરિકો, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, તથા જુદા-જુદા સંગઠનોના પ્રતિનિધિઓ આ અભિયાન થકી ભેગા થઇ રહ્યા છે.
મીડિયા સમક્ષ લવાશે આદિવાસી સમાજની મુશ્કેલીઓ : સુરેશ મહેતાએ આગામી સમયમાં અન્ય કેટલાક કાર્યક્રમોના આયોજન અંગે પણ વાત કરી હતી. અભિયાનની શરૂઆત જાહેર માધ્યમો સમક્ષની રજૂઆત સાથે જ કરવામાં આવી છે. જેના કારણે આદિવાસી સમાજની વાત મીડિયા થકી જન જન સુધી પહોંચશે અને આદિવાસી સમાજને પડતી મુશ્કેલીઓ તથા તેમના હકો વિશે આદિવાસી સમાજ એક થાય તે માટે આ લોક મંચ ઊભો કરવામાં આવ્યો છે.આ મંચ પર સરકાર દ્વારા આદિવાસી સમાજની થઈ રહેલી ઉપેક્ષાને વાચા આપવામાં આવશે.