અમદાવાદ રેલવે સ્ટેશન પર સ્ટેશનને વધુ સલામત અને સુંદર બનાવવાના કાર્યો થઇ રહ્યા છે. નિર્માણકાર્યને પગલે અનેક ટ્રેનો પ્રભાવિત થઈ રહી છે, ત્યારે મુસાફરોને પણ આગામી સમયમાં હાલાકીનો સામનો કરવા પડશે. હાલ અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 પર વોટર હાઈડ્રન્ટ અને ડ્રેનેજ સંબંધિત કાર્યો થઇ રહ્યા છે. જેને લઇ બ્લોક લગાવવામાં આવી રહ્યા છે. જેના કારણે આગામી 45 દિવસ સુધી પ્લેટફોર્મ નંબર 8 પરથી પસાર થતી રેગ્યુલર ટ્રેનો પ્રભાવિત રહેશે.
30 એપ્રિલ અને 1 મેના રોજ પ્રભાવિત કરનાર ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર 69131/69132 અમદાવાદ-ગાંધીનગર-અમદાવાદ મેમુ, ટ્રેન નંબર 69191 આણંદ-ગાંધીનગર મેમુ 30 એપ્રિલે રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર 69113 વડોદરા-અમદાવાદ મેમુ આણંદ અમદાવાદ વચ્ચે રદ કરવામાં આવી છે.
અન્ય ટ્રેનોમાં 1 મેના રોજ અમદાવાદ પાટણ પેસેન્જર અમદાવાદ સાબરમતી અમદાવાદની વચ્ચે રદ કરવામાં આવી છે. તો ટ્રેન નંબર 19441 અમદાવાદ અજમેર ઇન્ટરસીટી એક્સપ્રેસ 30 એપ્રિલ 2019ના રોજ સાબરમતી અમદાવાદ વચ્ચે રદ કરવામાં આવી છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર થયેલા નિર્માણ કાર્યોને પગલે છેલ્લા ઘણા સમયથી પ્લેટફોર્મ પર આવતી રેગ્યુલર ટ્રેનો પર અસર થઈ રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રેનો તેમના સમય અનુસાર આવી શકતી નથી અને ઘણીવાર પ્લેટફોર્મ પણ બદલવા પડે છે. જેના કારણે મોટા રૂટની ટ્રેનોને પણ અસર થઇ રહી છે.