અમદાવાદ: અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં રહેતા દેવેન્દ્રભાઈ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. થોડા મહિના અગાઉ તેમના પુત્ર રોહનભાઈ ઓઝાના લગ્ન થયા હતા. એન્જિનિયર તરીકે નોકરી કરતા રોહનભાઈના જ્યારથી તેમના પત્ની ભૂમિકા સાથે લગ્ન નક્કી થયા ત્યારથી બંને પરિવારો વચ્ચે તકરાર ચાલી રહી હતી.
આ દરમિયાન ભૂમિકાએ રોહનભાઈને તેમના માતા-પિતાને ખોટા કેસમાં ભરાવી દેવાની ધમકી આપી હતી અને તેમને પોતાની સાથે લગ્ન કરવા મજબૂર કર્યા હતા. ભૂમિકાની ધમકીથી ડરીને ગત 17 માર્ચે રોહનભાઈએ મેરેજ બ્યુરોમાં લગ્ન કર્યા હતા. આ અંગે રોહનભાઈના પિતાને જાણ થતા તેમણે અખબાર દ્વારા નોટિસ આપી હતી કે રોહન તેમના કહ્યામાં નથી અને તેને મિલકતમાંથી બેદખલ કર્યો છે.
લોકડાઉન દરમિયાન નોકરી ન હોવાને કારણે રોહનભાઈ ભૂમિકાના પિતાના ઘરે રહેતા હતા. ભૂમિકાના પિતા કોરોનાથી મૃત્યુ પામ્યા હતા જેના થોડા સમય બાદ રોહનભાઈને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ પોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ ભૂમિકા તેના ભાઈ-બહેન સાથે રોહનભાઈને ઘરે પહોંચી હતી. તે દેવેન્દ્રભાઈ સાથે ઝઘડો કરવા લાગી હતી અને કહ્યું હતું કે તેમના કારણે જ તેના પિતાનું મોત થયું હતું. આથી રોહનભાઈના પિતા દેવેન્દ્રભાઈએ તેમને ફરીથી કાઢી મુક્યા હતા. આ દરમિયાન ભૂમિકાને અલગ અલગ બીમારીઓ હોવા છતાં લગ્ન કરતા રોહને તેની પત્ની સામે અરજીઓ કરી હતી.
આ પ્રકારના ત્રાસથી કંટાળીને ગત 10 ઓગસ્ટે દેવેન્દ્રભાઈએ પરિવારજનોને મેસેજ કર્યો હતો કે ભૂમિકા અને તેના પરિવારના સભ્યો તેમના પરિવાર પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે અને માનસિક ત્રાસ આપી રહ્યા છે જેથી આ પરિસ્થિતિમાં તે પોતાના પરિવારને બચાવી ન શકતા તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ અડાલજની કેનાલમાં ઝંપલાવીને દેવેન્દ્રભાઈએ આપઘાત કરી લીધો હતો. આ મામલે રોહનભાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ભૂમિકા અને તેના ભાઈ તથા બહેન વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. સાબરમતી પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.