અમદાવાદઃ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ CBI કરે તેવી માગ સાથે મૃતકના પરિવારજનો હોસ્પિટલ બહાર એકત્ર થયા હતા. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, સરકાર દ્વારા તેમને વળતર આપવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય ન્યાય મળ્યો નથી.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ સંચાલકોને બચાવવા માટે પોલીસ દ્વારા હળવી કલમો ઉમેરી કરીને સંચાલકોને છૂટોદોર આપવામાં આવી રહ્યો છે. શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ વિજયવાડામાં પણ હોસ્પિટલમાં આગ લાગી હતી. ત્યા પણ આગનું કારણ સમાન હતું, ત્યાની સરકાર અને પોલીસ સંચાલકો સામે બિનજામીનપાત્ર કલમો લગાવી હતી. તક્ષશિલાકાંડમાં પણ તંત્ર કડક કલમો લગાવી હતી. જેના પગલે હજૂ પણ સંચાલક છૂટી શક્યા નથી.
અમદાવાદની શ્રેય હોસ્પિટલના સંચાલકો સામે પોલીસ દ્વારા શા માટે હળવી કલમો લગાવવામાં આવી રહી છે? શા માટે પોલીસ સંચાલક સામે કોઈ દોષિત કાર્યવાહી કરી નથી રહી? અહીં માત્ર અકસ્માતની કલમ લગાવી છે, જેથી તેમને જામીન મળી ગયા અને તેમને હવે છૂટો દોર મળી ગયો હોવાથી આસાનીથી તેમને બહાર ફરી શકે છે. ત્યારે 8 લોકોના મૃત્યુ થયા હોવાના જવાબદાર કોણ છે? સરકાર શા માટે આ બાબતે કોઈ જવાબ આપી રહી નથી? તેવા સવાલો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા.
પરિવારજનોએ સરકાર સમક્ષ બે હાથ જોડી સમગ્ર ઘટનાની CBI તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે. મહત્વનું છે કે, સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને સહાય પેટે 4 લાખ થોડા સમય પહેલા જ આપવામાં આવ્યા હતા, પરંતુ આજે પરિવારજનો સહાય નહીં પણ ન્યાયની માગ સાથે જ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હવે તેમને CM વિજય રૂપાણીને પણ મળવા માટે અનેક વખત સમય માંગ્યો હતો, પરંતુ તેમનો સમય ન મળતાં તેઓ શનિવારે હોસ્પિટલ પહોંચ્યા હતા અને હોસ્પિટલ બહાર ઉભા રહી ન્યાયની માંગણી કરી હતી.
જાણો શું છે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટની મધરાત્રીએ લાગેલી આગની ઘટના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અત્યંત ગંભીરતાથી લીધી છે. આ સાથે જ સમગ્ર ઘટના અંગે 2 અધિકારોની નિમણૂક કરીને રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી હતી. જેના 3 દિવસ બાદ શનિવારે રિપોર્ટ આપવાનો હતો, પરંતુ સોમવારે કમિટીના સભ્યો દ્વારા આ રિપોર્ટ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો હતો.
6 ઓગસ્ટ - અમદાવાદ: નવરંગપુરાની શ્રેય કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગથી 8 દર્દીના મોત
અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા 8 દર્દીના મોત નીપજ્યાં હતા. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના માટેની હોસ્પિટલ જાહેર કરાઈ હતી. હોસ્પિટલમાં 49 કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. આ આગ રાત્રે 3:00 કલાકે લાગી હતી અને 4:20 કલાકે બુઝાવામાં આવી હતી. આ આગમાં 5 પુરૂષ અને 3 મહિલાના મોત થયા હતા. જ્યારે 1 પેરામેડીકલ કર્માચારીને ઇજા પહોંચી હતી.