વિરમગામઃ વિરમગામમાં થતી ચર્ચા મુજબ પરિણીતાને ગામના અન્ય શખસ સાથે સંબંધ હોવા મામલે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જો કે, પરિણીતાનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળતા પરિણીતાના માતાએ શારીરિક તપાસ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ગળે ફાંસો આપ્યાના નિશાન જોતા હકીકત સામે આવી હતી.
મળતી માહિતી અનુસાર વિરમગામના નરસિંહપુરા ગામમાં 4 ઓક્ટોબરે રાત્રે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો હતો. પતિએ ઉશ્કેરાઈને પત્નીને ગળે ફાંસો આપી મોત નીપજાવ્યું હતું. મૃતકના પિતા શનિ શાંતિલાલ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અનુસાર, મૃતક જયશ્રીબેનના પતિ અશોક બાબુલાલ પ્રજાપતિ, સાસુ ફુલવંતી પ્રજાપતિ, સસરા બાબુલાલ સોમાભાઈ પ્રજાપતિએ ભેગા મળીને તેમની પુત્રીને ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. મૃતકના પિતાએ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ તમામ સામે ફરિયાદ નોંધાવી હતી.
મૃતકના પિતાના જણાવ્યાનુસાર મૃતકે 4 વર્ષ અગાઉ પરિવારની મરજી વિરુદ્ધ અશોક બાબુલાલ પ્રજાપતિ સાથે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. તે પછી મૃતક નરસીપુરા રહેતી હતી. મૃતકને એક દીકરી પણ છે. છેલ્લા 3 મહિનાથી મૃતક અને પતિ અશોક વચ્ચે અણબનાવ હતો. 3 ઓક્ટોબરે મારી પુત્રીએ અમને જણાવ્યું હતું કે, તમે મારી દીકરીને તમારી પાસે લઈ જજો, ભણાવજો અને સાચવજો અને ત્યારબાદ ફોન બંધ થઈ ગયો હતો.
4 ઓક્ટોબરે ફરી ફોન આવ્યો અને મને વાત કરી હતી. ત્યારબાદ રાત્રે અમે જમાઈને ફોન કરતા તેણે કહ્યું મૃતકને હાર્ટએટેક આવ્યો છે. એટલે અમે દીકરીના ઘરે ગયા તો તેના પતિ અને સાસરિયાંવાળાએ મારી દીકરીને અડવા પણ ન દીધી. અમે અમારી દીકરીના ગળાના ભાગે દોરીથી ગળે ટૂંપો દઈ મારી નાખવાના નિશાન જોયા હતા. એટલે અશોક અને સાસરિયાંવાળાએ ભેગા મળીને મારી દીકરીને મારી નાખી છે. આ અંગે અમે વિરમગામ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.