- અમદાવાદ એરપોર્ટથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી દોડશે BRTS
- દૈનિક રૂપિયા એક લાખની ખોટ થતી હોવાથી 2018 માં બસ બંધ કરી દેવામાં આવી
- મુસાફરો 50 રૂપિયાનું ભાડું ચૂકવી એસી બસમાં મુસાફરી કરી શકશે
અમદાવાદઃ શહેરમાં વર્ષ 2018 માં બંધ કરી દેવાયેલી કર્ણાવતી થી એરપોર્ટ સુધીની BRTS બસ ફરી શરૂ કરવાનો નિર્ણય મનપાએ લીધો છે. આ મુદ્દે મનપા કમિશનર મુકેશકુમારે ટ્વિટ કરીને શહેરીજનોને જાણકારી આપી હતી. કોરોનાથી રાહત મળતાં હવે 100 ટકા હવાઈ સેવાઓ ફરી શરૂ થશે, જેથી અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ ઓછા ભાડા આપીને આ સુવિધા મળી રહે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઇવેથી એરપોર્ટ સુધી BRTS શટલ બસ સેવા જે છેલ્લાં લાંબા સમયથી બંધ હતી, એને ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
એરપોર્ટ બસ BRTS કોરિડોરમાં ચલાવવામાં આવતી
મહત્વનું છે કે, અગાઉ પણ એરપોર્ટ બસ BRTS કોરિડોરમાં ચલાવવામાં આવતી હતી. પરંતુ બસમાં મુસાફરોની સંખ્યા નહીવત હોવાથી વર્ષ 2018 માં બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ પાછળ જે તે સમયે બે કારણ મુખ્ય રીતે નોંધવામાં આવ્યા હતા જેમાં પહેલું કારણ એ હતું કે એરપોર્ટ બસના કારણે અમદાવાદ જનમાર્ગને દૈનિક રૂપિયા એક લાખની ખોટ થતી હોવાની સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, જે વ્યક્તિ પ્લેનમાં મુસાફરી કરતી હોય તેવી વ્યક્તિઓ એરપોર્ટ જવા પબ્લિક બસ નો ઉપયોગ કરે તેની શક્યતા ઓછી છે.
50 રૂપિયાનું ભાડું ચૂકવી બસમાં મુસાફરી કરી શકશે
મનપા કમિશનર કરેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે મુસાફરો 50 રૂપિયાનું ભાડું ચૂકવી એસી બસમાં મુસાફરી કરી શકશે, અને દર ત્રીસ મીનીટે આ બસ મળશે. એરપોર્ટ સુધીની બસ ડીઝલ થી નહીં પણ ઇલેક્ટ્રિસિટી થી સંચાલિત હશે. આ સાથે તેમાં સીસીટીવી સર્વેલન્સ પેસેન્જર ઈન્ફોર્મેશન સીસ્ટમ પણ ઉપલબ્ધ હશે. બસમાં 26 સીટ મુકવામાં આવશે તેમજ સવારે છ વાગ્યાથી 11 વાગ્યા સુધી બસમાં મુસાફરી કરી શકાશે. આ સુવિધા ટૂંક સમયમાં જ ફરીથી શહેરમાં કાર્યરત કરવામાં આવશે.
દિવાળી પહેલા મુસાફરોને સુવિધા મળી રહેેશે
ફરીથી શરૂ કરાયેલી એરપોર્ટ શટલ બસ સર્વિસ ઇસ્કોન ક્રોસ રોડ થી શરૂ થઈ રામદેવ નગર, શિવરંજની થઈ IIM, હેલમેટ ચાર રસ્તા, મેમનગર, નારણપુરા, શાસ્ત્રીનગર, પ્રગતિનગર, અખબાર નગર અને, આરટીઓ થઈ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. બસની ટિકિટનો દર રોકડમાં, જનમિત્ર કાર્ડ દ્વારા અથવા, ડિજિટલ માધ્યમથી ચૂકવી શકાશે. સામાન્ય રીતે દિવાળી પહેલા મુસાફરોને સુવિધા મળી રહે તે માટેનું આયોજન હાલમાં પાર્ક કરી રહી છે.
આ પણ વાંચોઃ Dussehra2021: દશેરાના પર્વ નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું
આ પણ વાંચોઃ ACBનો ગુજરાતમાં માસ્ટર સ્ટ્રોક: બે દિવસમાં ક્લાસ વન અધિકારી સહિત ત્રણને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા