અમદાવાદ: ગુજરાતમાં ખુલ્લેઆમ થઈ રહેલી શરાબની હેરાફેરીમાં કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે. બોર્ડર ક્રોસ કરીને આવતા વિદેશી દારૂ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડતા બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે પોલીસ પણ કામગીરી બતાવવા દારૂના અડ્ડાઓ પર રેડ કરી વિદેશી દારૂ પકડીને જપ્ત કરી કામગીરી કર્યાનો સંતોષ માની લેતી હોય છે. પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય કે ગુજરાતના કયા ખૂણે દારૂ નથી મળતો? અને મળે છે તો એ કોની મહેરબાની?
1,44,475નો મુદ્દામાલ: આમ જોવા જઈએ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્તપણે અમલ કરવામાં આવતો હોવાનું માત્ર કાગળ પર જ દેખાય છે. ગુજરાતમાં દારૂબંધી તો અમલમાં છે પણ એટલો જ છૂટ થી દારૂ વેચાતો જોવા મળે છે.જે બાબતે અનેક સવાલો ઉભા થાય છે. ત્યારે હાલ ની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના દારૂના વેચાણ માટે પ્રખ્યાત એવા સરદારનગર વિસ્તારમાં ફરી એકવાર વિદેશી દારૂનો જથ્થો સરદારનગર પોલીસે ઝડપી લીધો છે. સરદારનગર વિસ્તારમાં ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી બોટલ સહિત બિયરનો જથ્થો પોલીસે ઝડપી લઇ 1,44,475નો મુદ્દામાલ સરદારનગર પોલીસે કબ્જે કર્યો છે.
દારૂ ઘરમાં રાખી વેચાણ: સરદારનગર પોલીસે કરેલી કાર્યવાહી અંગે વધુ વાત કરવામાં આવે તો સરદારનગર ગેલેક્સી અંડર બ્રીજ પાસે નીલકમલ ટેનામેન્ટમાં આવેલા રહેણાંક મકાનમાં સંજય ઉર્ફે ગચડો સુનીલ ઈન્દ્રેકર અને રવી દિવાકર યાદવ નામના બે વ્યક્તિ વિદેશી દારૂ ઘરમાં રાખી વેચાણ કરતા હતા.જે અંગેની બાતમી પોલીસને મળતા સરદારનગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સહિતની ટીમે સ્થળ પર રેડ કરતા વિદેશી દારૂ અને બીયરના ટીન મળી કુલ 1007 બોટલો રૂપિયા 1,44,475ની કિંમતનો મુદ્દામાલ ઝડપી બંને શકશો વિરુદ્ધ પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
સ્થાનિકો કહ્યું આ: જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હજુ પણ ઘણા બૂટલેગરો છૂટ થી દારૂનો વેપલો કરી રહ્યા છે. ત્યારે સરદારનગર વિસ્તારમાં ચાલતી દારૂની બદીઓ ક્યારે બંધ થશે. તેવી ચર્ચા પણ લોકોમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં હજુ પણ કેટલાક ચર્ચિત વિસ્તારો એવા છે. જ્યાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ધમધમી રહ્યો છે. જે પોલીસની જાણ બહાર હોય એ અશક્ય માની શકાય.ત્યારે હાલ તો ગુજરાતને વ્યસન મુક્ત કરવા પોલીસ અને પ્રજાએ સહિયારા પ્રયત્નો થકી જ વ્યસનમુક્ત ગુજરાતનું સપનું સાકાર થશે.