પશ્ચિમ બંગાળમાં ડૉકટર પણ બનેલી હિંસક ઘટનાને પગલે દેશભરમાં ડૉકટરો હડતાળ પર ઉતર્યા છે. હડતાળને કારણે તમામ હોસ્પિટલની OPDમાં તબીબોની ગેરહાજરી જોવા મળી હતી. રેસિડેન્ટ ડૉક્ટરોએ પણ હડતાળને સમર્થન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓ.પી.ડીમાં તબીબો ફરજ પર હાજર નહોતા. બીજીબાજુ સવારથી જ દર્દીઓની લાંબી કતાર લાગી હતી.ઓર્થોપેડિક ડૉક્ટરે પહેલેથી જ દર્દીઓને સમય આપ્યો હતો. જેથી દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. પરંતુ હડતાળના પગલે દર્દીઓને બંધ હોવાનું કહીને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. બહારગામથી આવેલા દર્દીઓને સારવાર વગર જ પરત ફરવુ પડયુ હતું. જેથી તેમને સમયનો બગાડ થવાની સાથે આર્થિક નુકસાન પણ થયુ હતું.
એક કિસ્સો એવો પણ બન્યો હતો કે વસ્ત્રાલમાં રહેતા ભરતભાઇ નામના એક વૃદ્ધને કમરમાં સ્પાઇનની તકલીફ હતી. જે માટે અગાઉ સારવાર માટે આવ્યા હતા ત્યારે ડૉકટરે આજે તેમને દાખલ કરવાનું કહી બુધવારે ઓપરેશન માટેની તારીખ આપી હતી. પરંતુ ડૉકટરોની હડતાળ હોવાને કારણે ભરતભાઈને પણ અન્ય દર્દીઓને જેમ કતારમાં બેસવું પડ્યું હતું. કલાકો સુધી બેઠા પછી અંતે નિરાશ થઈને ઘરે જવાનો વારો આવ્યો હતો. આવા અનેક દર્દીઓને ભારે તકલીફ ભોગવવી પડી હતી.