- કોરોનાની મહામારીમાં ફરીથી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરાઈ
- વિવિધ એસોસિએશન દ્વારા શુક્રવાર શનિવાર અને રવિવાર ના રોજ બંધ પાળવા અપીલ કરાઈ
- કોરોનાની ચેઈન તોડવા અને લોકોમાં ઓછું સંક્રમણથી ફેલાય તે માટે વિવિધ પ્રયાસો વેપારી મંડળ દ્વારા કરાઇ રહ્યા છે
અમદાવાદ: કોરોનાની મહામારીને લઈને રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ હાલ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે ત્યારે શહેરના વિવિધ વેપારી મંડળો અને એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે.
કોરોનાની મહામારીની ઉદ્યોગ પર મોટી અસર
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ એસોસિએશનના પ્રમુખો સાથે ઓનલાઇન બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોનાની મહામારીને લઈને ઉદ્યોગ પર મોટી અસર થઇ રહી છે તેમજ કોરોનાનું સંક્રમણ પણ ફેલાઈ રહ્યું છે. જેને લઇને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારી મંડળો અને એસોસિએશનની અપીલ કરવામાં આવી હતી કે, અઠવાડિયાના અંતમાં એટલે કે વીકેન્ડમાં સ્વયંભૂ લોકડાઉન આવ્યા અને કોરોનાની ચેઇન તોડવામાં મદદ કરવામાં આવે.
જ્વેલર્સ એસોસિએશનની અપીલ
આજે સવારે જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ તમામ સ્વયંભૂ બંધ રાખે અને કોરોના ચેઇન તોડવામાં મદદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ પણ સ્વયંભૂ બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી. જેમાં લોકોના મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
રીલીફ રોડ એસોસિએશને કરી જાહેરાત
અમદાવાદ શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આવેલા વિવિધ વેપારીઓ દ્વારા પણ શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ બંધ રાખવામાં આવશે અને કોરોના સંક્રમણ ઓછું થયું ફેલાય તે માટે પ્રયાસ કરવામાં આવશે. રીલીફ રોડ એસોસિએશનના પ્રમુખ હર્ષદ ગીલેટવાલા દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આવતા વીકેન્ડમાં પણ વેપારી મંડળોને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવશે.
શાકભાજી અને લારી-ગલ્લાવાળાઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વિવેકાનંદ નગર હાથીજણ અને આસપાસના વિસ્તારમાં દસ દિવસના સફળ સ્વૈચ્છિક લોકડાઉનને સામાજીક આગેવાન, વેપારીઓ, શાકભાજીની લારી, ગલ્લાવાળા તેમજ અન્ય તમામ લોકો દ્વારા સાથ આપી પાલન કરાવવામાં આવ્યું હતું. આ 10 દિવસનો લોકડાઉન પૂર્ણ થતા પોલીસ વિભાગ દ્વારા વેપારીઓને તમામ આગેવાનો સાથે ફરી બેઠક યોજી હતી. જેમાં પોલીસ વિભાગ દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા.
લોકોએ સામાજિક અંતર, માસ્ક, સેનેટાઈઝર રાખી કોરોના નિયમોનું પાલન કરવું જોઈએ
પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં તમામ લોકોને ખુબ જ કાળજી રાખવાની જરૂર છે. તમામ લોકોએ સામાજિક અંતર, માસ્ક, સેનેટાઈઝર રાખી કોરોના નિયમોનું પાલન કરવું જોઈએ. તો 10 દિવસના સફળ સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થયા બાદ તમામ લોકોએ સર્વાનુમતે ફરીથી કહ્યું છે કે, ફરીથી સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવે ને લોકોમાં કોરોનાનુ સંક્રમણ ઓછું ફેલાય તે માટે પ્રયાસ કરવામાં આવે.
AEMCA પણ ત્રણ દિવસ રાખશે બંધ
કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે અમદાવાદ ઈલેક્ટ્રીક મર્ચન્ટ એન્ડ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા શુક્રવાર, શનિવાર અને રવિવાર ના રોજ સ્વૈચ્છિક બંધનું એલાન કરવામાં આવ્યું છે.
ગાંધીરોડ વેપારી મંડળનું બંધ
કોરોનાની મહામારી ને લઈને ગાંધીરોડ વેપારી મંડળ દ્વારા કોરોનાની ચેઇન તોડવા માટે શુક્રવાર શનિવાર અને રવિવાર ના રોજ ત્રણ દિવસનું પબંધ જાહેર કરવામાં આવ્યું છે. અને લોકોને અપીલ કરવામાં આવી છે કે ઘરમાં જ રહે સુરક્ષિત રહે.
મસ્કતી કાપડ માર્કેટ મહાજન રહેશે બંધ
શહેરના વિવિધ વેપારી મંડળ દ્વારા બંધ કરવામાં આવી છે ત્યારે મસ્કતી કાપડ માર્કેટ દ્વારા પણ ત્રણ દિવસનું બંધ કરવામાં આવ્યું છે અને કોરોના ની મહામારીમાં સાથ આપવાનું નક્કી કર્યું છે.
પાંચકુવા કાપડ મહાજનનું બંધનું એલાન
કોરોનાની મહામારી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પાંચકુવા કાપડ મહાજન દ્વારા પણ તારીખ 23, 24, 25 ના રોજ ત્રણ દિવસ બંધનું એલાન કરવામાં આવી છે. અને જાહેરાત કરવામાં આવી છે કે કોઈપણ જાતના કર્મચારીઓનો પગાર આપવામાં આવશે નહીં.
દરિયાપુર હાર્ડવેર મર્ચન્ટ એસોસિએશન
કોરોના સામેની લડાઈમાં તમામ લોકો સાથ આપી રહ્યા છે ત્યારે દરિયાપુર હાર્ડવેર મર્ચન્ટ એસોસિએશન એ પણ ત્રણ દિવસનું બંધ રાખી કોરોના ની લડાઈમાં લડત આપી છે.
ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન
કોરોનાની મહામારી ધ્યાનમાં રાખીને મેન્યુફેક્ચર વેપારીઓ પણ ત્રણ દિવસના બંધમાં જોડાયા છે તમામ મેન્યુફેક્ચર યુનિટ બંધ રાખવામાં આવશે અને કોરોના સામે લડત આપવામાં આવશે જેમાં કોઈપણ કર્મચારીનો પગાર આપવામાં નહીં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.